શિક્ષણવિભાગના તજજ્ઞો દ્વારા સન્માન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કુલના આચાર્ય બી.પી. સોનગરા તાજેતરમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ હાઈસ્કુલના હોલમાં યોજાયો હતો.
આ સંસ્થામાં આશરે 18 વર્ષ સુધી આચાર્ય તરીકે નોંધપાત્ર સેવા આપી, સંસ્થાને ગૌરવ અપાવનાર બી.પી. સોનગરાનો વિદાયમાન કાર્યક્રમ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ અને વર્તમાન સ્ટાફ મેમ્બર્સે તેમની પ્રત્યેની લાગણીની અભિવ્યક્તિ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ ગોકાણી અને પ્રમુખ પરાગભાઈ બરછાએ સોનગરાભાઈના કાર્યકાળને બિરદાવતા વક્તવ્ય આપ્યું હતું અને નિરોગી નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેમને સુવર્ણ ભેટ, શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના અન્ય આચાર્યો અને સુપરવાઇઝર દ્વારા પણ સ્મૃતિભેટ આપી, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બી.પી. સોનગરાના આમંત્રણને માન આપીને ખાસ આવેલા શિક્ષણ વિભાગના તજજ્ઞોએ પણ તેમનું સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રમુખ પરાગભાઈ બરછા અને ટ્રસ્ટી અશોકભાઈ ગોકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની પરંપરા અનુસાર આ વિદાય સમારંભ ખૂબ લાગણીસભર વાતાવરણમાં પૂર્ણ થયો હતો.