Jai Hind

ઉનાળાના વેકેશનમાં આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓથી ધમધમ્યું

એક મહિનામાં 16 હજારથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ આંબરડી સફારી પાર્કમાં આ ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો છે. છેલ્લા એક મહિનામાં 16,059 પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લઈ વન્યપ્રકૃતિ, આધુનિક સુવિધાઓ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. અને પરિવાર સાથે ફરવા અને યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.
ધારી સ્થિત આંબરડી સફારી પાર્કમાં ઉનાળાના વેકેશન દરમિયાન દરરોજ પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી હતી. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા એક મહિનાના ગાળામાં કુલ 16,059 મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધી હતી. જેમાં 6,973 પુરુષો, 6,146 મહિલાઓ તથા 2,940 બાળકોનો સમાવેશ થાય છે.
આ આંબરડી સફારી પાર્કમાં મુલાકાતીઓ માટે વિકસાવવામાં આવેલી વિવિધ આધુનિક સુવિધાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાર્કમાં આવેલ આધુનિક ઓડિટોરિયમ, વિશાળ પ્રતિમાઓ (સ્ટેચ્યુ), આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ અને હરિયાળું કુદરતી વાતાવરણ પ્રવાસીઓને ખૂબ પસંદ પડ્યું હતું. અનેક મુલાકાતીઓએ પરિવારજનો અને મિત્રો સાથે ફોટોગ્રાફી કરી યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી.
વન્યજીવન અને પ્રકૃતિના નજીકથી અનુભવ સાથે મનોરંજન મેળવવા માટે આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. ઉનાળાની રજાઓ દરમિયાન ખાસ કરીને બાળકો અને પરિવારજનોમાં પાર્ક પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉનાળાના વેકેશન દરમિયાન મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને પગલે આંબરડી સફારી પાર્ક આગામી દિવસોમાં પણ પ્રવાસન ક્ષેત્રે વધુ લોકપ્રિય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.