Jai Hind

ગઢડામાં સાંસદની હાજરીમાં પ્રમાણીત 590 ક્વિન્ટલ મગફળી બિયારણનું વિતરણ

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી તથા બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને ગઢડા એ.પી.એમ.સી. ખાતે ગઢડા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (ઋઙઘ) દ્વારા પ્રમાણિત બીજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલસીડ યોજના અંતર્ગત ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 598 ખેડૂતોને 590 ક્વિન્ટલ જીજી-35 જાતનું પ્રમાણિત મગફળી બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે બિયારણ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આશરે 600 ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ખેડૂતોને આગામી સપ્તાહ દરમિયાન તેમની પાત્રતા અને જમીન વિસ્તાર અનુસાર બિયારણનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા ‘સંતુલિત ખાતર વપરાશ અને ખેતર બચાવો’ વિશેષ અભિયાન અંતર્ગત ખેડૂતોને જૈવિક અને સેન્દ્રિય ખાતરોના ઉપયોગ, જીવામૃત-ઘન જીવામૃત, નેનો યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ, બાગાયત, આત્મા, વિવિધ ખાતર ઉત્પાદક કંપનીઓ, ખેડૂત સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા અને ઉત્પાદન વધારવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ખેડૂતોને ખેતી કાર્યોમાં ઉપયોગી ‘કૃષિ પ્રગતિ એપ’ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ ખાતેદાર ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા અને પીએમ કિસાન સન્માન નિધિના લાભો અવિરત પ્રાપ્ત થાય તે માટે નવી અમલમાં આવેલી સેલ્ફ ઈ-કેવાયસી પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ખેતી નિયામક કે.બી. રમણાએ ખેડૂતોને આ અંગે વિસ્તૃત સમજ આપી હતી.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, મામલતદાર સિદ્ધરાજ વાળા, જિલ્લાના પૂર્વ ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, યાર્ડના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુંબલ, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ, એ.પી.એમ.સી.ના ચેરમેન સુભાષભાઈ હુંબલ, તાલુકા પ્રમુખ દિલીપ ડાભી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ચંદુભાઈ ભાલીયા, નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.