રોડની બન્ને બાજુ બનાવવામાં આવેલા પાળાઓ વેપારીઓ પોતાના સ્વાર્થ માટે તોડી રહ્યાનો આક્ષેપ : દંડાત્મક કાર્યવાહીની લોકમાંગ
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે નવા સીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શહેરના નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે રોડના નિર્માણ દરમિયાન જ કેટલાક વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા પોતાના અંગત હિતો માટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ રોડની બંને બાજુ બનાવવામાં આવેલા સીસી રોડના પાળા (ક્યોરિંગ બેરિયર) કેટલાક વેપારીઓ દ્વારા તોડી નાખવામાં આવી રહ્યા છે. દુકાનો સુધી વાહનો સરળતાથી પહોંચી શકે વાહનો પાર્ક કરવાની સુવિધા મળી રહે તે માટે તાજા બનાવેલા પાળાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સીસી રોડની ગુણવત્તા જાળવવા માટે રોડના પાળામાં સતત પાણી ભરેલું રહેવું જરૂરી હોય છે. આ પ્રક્રિયા દ્વારા સિમેન્ટ યોગ્ય રીતે સેટ થાય છે અને રોડ મજબૂત બને છે. જો ક્યોરિંગની પ્રક્રિયા અધૂરી રહે તો સીસી રોડમાં તિરાડો પડવાની તેમજ તેની ગુણવત્તા ઘટવાની શક્યતા વધી જાય છે. હાલમાં અનેક સ્થળોએ પાળા તોડી નાખવામાં આવતા રોડને પૂરતું પાણી મળી શકતું નથી, જેના કારણે નવા બનેલા રોડની ટકાઉપણાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો દ્વારા જવાબદાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા પણ કડક દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
સ્થાનિક આગેવાનોનું માનવું છે કે સરકાર જ્યારે લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કાર્યો કરે છે ત્યારે નાગરિકો અને વેપારીઓએ પણ જાહેર સંપત્તિના સંરક્ષણમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આ મુદ્દે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સંબંધિત વિભાગનું ધ્યાન દોરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.