પોલીસે બે શખ્સોને ઝડપી લઈ રૂ.26.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો
દ્વારકા જિલ્લામાં ગેરકાયદે ખનન થતુ હોવાની ફરિયાદો ઉઠતા ખનીજ માફીયા સામે પોલીસે લાલઆંખ કરી છે. સલાયાના સરકારી ખરાબામાંથી રેતી, મોરમનું ગેરકાયદે ખનન તથા જેસીબીના ચાલક સહિત બેને ઝડપી લઈ રૂ. 26.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. જે.એમ. ચાવડાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા આ વિસ્તારમાં થતી ગેરકાયદેસર ખનીજચોરી રોકવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સર્વેલન્સ સ્થાપના હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ જોગલ અને ઓમ દેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સલાયાથી ગોઇંજ તરફ જતા માર્ગે ઘી નદીના પટમાં આવેલા પ્રથમ કોઝવેના સરકારી ખરાબામાં જેસીબી મશીન વડે ગેરકાયદેસર રીતે મોરમ (માટી) ખસેડી અને તેની નીચેથી પાણી ભરેલા ખાડામાંથી રેતી કાઢી, આ રેતી ડમ્પરમાં ભરીને લઈ જવામાં આવતી હતી. આ રીતે ગેરકાયદેસર રીતે સરકારી ખનીજનું વહન કરવાની પ્રવૃત્તિ સામે પોલીસે કરેલી કાર્યવાહીમાં પાણી ભરેલા ખાડાઓમાંથી સારી ગુણવતાની રેતીને જે.સી.બી. મશીન વડે ખનન કરી અને ડમ્પર ટ્રકમાં ભરતા પોલીસે વાહન ચાલકોને રંગે હાથ ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15 લાખની કિંમતનું એક જે.સી.બી. મશીન, રૂપિયા દસ લાખની કિંમતનું એક ડમ્પર તથા રૂપિયા 1 લાખ 60 હજારની કિંમતની ખનન કરેલી 32 ટન જેટલી રેતી મળી કુલ રૂપિયા 26 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જેસીબી મશીનના ચાલક હમીર ભારા સંધીયા (ઉ.વ. 25, રહે. સોડસલા) અને વેજાણંદ અરજણ ભાચકન (ઉ.વ. 36, રહે. સંજયનગર) નામના બે શખ્સો સામે કાર્યવાહી કરી, આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી સલાયાના પી.આઈ. જે.એમ. ચાવડા, વિપુલભાઈ એમ. ડાંગર, બોઘાભાઈ કેસરીયા, પીઠાભાઈ જોગલ, ઓમદેવસિંહ જાડેજા, વિપુલભાઈ એસ. ડાંગર, દિલીપભાઈ ખાચર, રાયમલભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
ભોગાતના તળાવમાંથી પરમીટ વગર માટીનું ટ્રેકટર ભરી લીધું
જામ ખંભાળિયા, તા. 10: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ભોગાત ગામથી પીળી તળાવ વિસ્તારમાં એક ટ્રેક્ટરમાં અનઅધિકૃત રીતે રોયલ્ટી કે પાસ પરમિટ વગર માટી (મોરમ) નું ખનન કરીને નીકળેલા એક ટ્રેક્ટર નંબર જી.જે. 37 એમ. 3406 ને કબજે કરી, તેના ચાલક આનંદ ભીમા લુણા (રહે. ભોગાત) ને ઝડપી લઈને તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.