Jai Hind

ભોગાતમાં કરિયાણાની દુકાનમાંથી દૂધાળા પશુઓને અપાતા ગેરકાયદે ઈન્જેકશન જબ્બે

કલ્યાણપુરના ભોગાત ગામે દૂધાળા પશુઓને અપાતા ગેરકાયદે ઈન્જેકશનનો જથ્થો કબ્જે કરી પોલીસે દૂકાનદાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયા, કાનાભાઈ માડમ તથા સુમાતભાઈ ભાટિયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલી મેઈન બજારમાં “બંસી ટ્રેડર્સ” નામની અનાજ કરિયાણાની દુકાન ધરાવતા ભરત આલાભાઈ વરુ (રહે. ગોજીનેશ વાડી વિસ્તાર) ની દુકાનમાં ચેકિંગ કરવામાં આવતા આ દુકાનમાંથી કેટલાક સફેદ પારદર્શક પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બોટલો (ઇન્જેક્શન)નો જથ્થો મળી આવ્યો હતો. જે અંગેની તપાસમાં ઉપરોક્ત ઇન્જેક્શન ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓ થકી વધુ આર્થિક લાભ મેળવવા માટે કુદરતી રીતે પશુઓને પીડા આપી, દૂધ ઉત્પાદન વધારનારા આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો હતા. આમ ઉપરોક્ત દુકાનદાર ભરતભાઈ વરુ દ્વારા ગેરકાયદેસર ઇન્જેક્શનનો જથ્થો રાખી, વેચાણ કરવા માટે કોઈ સક્ષમ ઓથોરિટીનું કોઈ લાઇસન્સ કે આધાર પુરાવા ન હોય, જેથી પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમ નિવારણની કલમ હેઠળ કુલ રૂપિયા 27,500 ની કિંમતના 275 નંગ ઇન્જેક્શન કબજે કરી, ઉપરોક્ત દુકાનદાર સામે આગળની કાર્યવાહી કરી હતી.