બાદમાં વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી
કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે, કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે પાણીમાં પાંચ લોકો ફસાયા છે. જે જાણ થતાં જ તુરત બચાવ કામગીરી માટે કેશોદ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ, બચાવ કામગીરી હાથ ધરી, પાંચ લોકોનું રેસ્કયુ કરી, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ત્રણ લોકોને તાલુકા હેલ્થ સેન્ટર અને બે લોકોને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવેલ હતા. આમ કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડ ટીમે ફાયર સેકશન ઓફિસર સુધીર જોષીના માર્ગદર્શન હેઠળ માત્ર 16 મીનીટમાં સફળ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જો કે, બાદમાં વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી સેવાઓનું સમયાતંરે પ્રશિક્ષણ માટે મોકડ્રીલ યોજવામાં આવે છે, અને પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, તંત્ર સહિતની ઝડપી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે તથા ટીમની જો કોઈ ક્ષતિઓ ધ્યાનમાં આવે તો તે દુર કરવા સુચના આપવામાં આવે છે.