સદસ્ય મનોજભાઈ બાંભણીયા દ્વારા તટસ્થ તપાસની માંગ: એસ્ટીમેટ મુજબ કામ થતુ ન હોવાનો આરોપ
ઉના નગરપાલિકાના વોર્ડ નંબર-8 માં હાલચાલીરહેલી સ્ટ્રીટ લાઈટ ના અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક સદસ્ય મનોજભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યા છે. કામમાં ગુણવત્તાના ધોરણો જળવાતા ન હોવાનું જણાવી તાત્કાલિક ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવવાની લેખિત માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વોર્ડ નં. 8માં સ્ટ્રીટ લાઈટ માટે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલી રહ્યુંછે.સ્થળતપાસ દરમિયાન સદસ્ય મનોજભાઈ બાંભણીયાને ધ્યાને આવ્યું કે નિયમ મુજબ કેબલ માટે ઓછામાં ઓછો બે ફૂટ ઊંડો ખાડો ખોદવાનો હોય છે, તેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ત્રણથી ચાર આંગળ એટલે કે નામ પૂરતો ખાડો ખોદી કેબલ નાખી દેવામાં આવે છે. સુરક્ષાના માપદંડો નેવે મૂકી અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં નિયમો મુજબની ઊંડાઈ કે સુરક્ષાના માપદંડો અનુસરવામાં ન આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોએ વ્યક્ત કર્યું કે આટલો છીછરો ખાડો હોવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાય ત્યારે શોર્ટ સર્કિટ થવાનો ગંભીર ખતરો ઉભો થશે. કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સદસ્ય મનોજભાઈ બાંભણીયા દ્વારા ઉનાનગરપાલિકા ના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં માંગ કરાઈ છે કે, તાત્કાલિક અસરથી આ કામની ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો કામમાં ખરેખર ગેરરીતિ માલૂમ પડે તો સંબંધિત એજન્સી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન દાખવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા તંત્ર આ આક્ષેપોને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપે છે કે પછી તપાસના નામે માત્ર લીપાપોતી કરવામાં આવે છે એવી ચર્ચાસ્થાનિકકક્ષાએ ચાલી રહી છે.