વડીયામાં ખેડુતની આત્મહત્યા કેસમાં પુત્રનો આક્રોશ: શું ધારાસભ્ય જવાબદારોના નામ ફરીયાદમાં દાખલ કરાવશે?

ફરીયાદમાં રાજકીય વગ ધરાવતા બેના નામ ન નોંધીને પોલીસ સતાધારી ભાજપ પક્ષના નેતાનો હાથો બની ગયાનો મૃતકના પુત્રનો આક્ષેપ

વડિયા તાલુકામાં એક ખેડૂત દ્વારા આત્મહત્યા કરાયાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. મૃતક ખેડૂતના પરિવારજનોએ આ ઘટનાને માત્ર આત્મહત્યા નહીં પરંતુ લાંબા સમયથી ચાલતા માનસિક ત્રાસ અને રાજકીય પ્રભાવના પરિણામ તરીકે ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે.
મૃતકના પુત્રે જાહેર કરેલા વિડિયોમાં જણાવ્યું છે કે તેમના પિતા પોતાના સગા પરિવાર દ્વારા ખેતરના રસ્તા બાબતે સતત હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા. આ ત્રાસથી કંટાળી અંતે તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. પુત્રના જણાવ્યા મુજબ તેમના પિતાએ અનેક વખત કેટલાક સ્થાનિક પ્રભાવશાળી લોકોના નામ લઈને પોતાની ઉપર દબાણ અને હેરાનગતિ થતી હોવાની વાત કરી હતી.
પુત્રે વધુમાં આક્ષેપ કર્યો છે કે આત્મહત્યા પાછળ જવાબદાર ગણાતા વ્યક્તિઓના નામ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે ભારે ધક્કા ખાવા પડ્યા હતા. રાત્રિના સમયે ફરિયાદ આપવા છતાં પોલીસ દ્વારા શરૂઆતમાં ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વડિયા પહોંચ્યા હતા અને ફરિયાદમાં દર્શાવાયેલા બે નામ દૂર કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનું પુત્રે જાહેરમાં જણાવ્યું છે.ત્યારે આ પિતા ગુમાવેલ પુત્રની વહારે વડિયાનો એક પણ ચૂંટાયેલો રાજકીય નેતા ફરક્યો પણ ના હતો.
પુત્રના જણાવ્યા અનુસાર, આ બે નામ ફરિયાદમાં રહેશે તો ફરિયાદ નોંધાશે નહીં એવી સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી. અંતે ભારે દબાણ વચ્ચે ફરિયાદમાંથી તે નામો દૂર કર્યા બાદ જ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું પરિવારનો આક્ષેપ છે.
આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જો કોઈ નિર્દોષ ખેડૂતનો પરિવાર ન્યાય માટે ભટકતો હોય અને રાજકીય પ્રભાવના કારણે ફરિયાદમાં પણ ફેરફાર કરાવવા પડે, તો સામાન્ય નાગરિક ક્યાં જાય? ખેડૂતોમાં એવી ચર્ચા છે કે જો આક્ષેપો સાચા હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માટે રાજ્ય સરકાર ના મંત્રી કૌશિક વેકરીયા પોતાના મતદારની વેદના સાંભળી એક ખેડૂતપુત્રની વહારે આવી મૃતકના પુત્રના જણાવ્યા મુજબના મૃતકને ઝેરી દવા પીવા મજબુર કરનાર ઘટના સાથે જોડાયેલા તમામ લોકોના નામ પોલીસ ફરિયાદ માં દાખલ કરાવે અને એ લોકોની તાત્કાલિક ધરપકડ કરાવી જાહેર માર્ગ પર વરઘોડો કઢાવે તેવી માંગણી મૃતક ના સગા વહાલા અને સ્થાનિક લોકો પણ કરતા જોવા મળી રહ્યા. સમગ્ર ઘટનામાં રાજકીય કિન્નાખોરી થી પોલીસ સતાધારી પક્ષનાં નેતાઓનો હાથો બની હોય અને જવાબદાર લોકોને છાવરતી હોય તેવા આક્ષેપો સમગ્ર ગામમાંથી સાંભળવા મળી રહ્યા છે ત્યારે શું કેન્સરગ્રસ્ત પત્ની, વૃદ્ધ માતા, એક પુત્ર અને એક પુત્રીને અનાથ સમાન સ્થિતિમાં મૂકી ગયેલા આ ખેડૂતના પરિવારને ન્યાય મળશે કે નહીં? રાજકીય દબાણના આક્ષેપોની સત્યતા બહાર આવશે કે નહીં? અને ખેડૂતોને આવી યાતનાઓમાંથી ક્યારે મુક્તિ મળશે? આ બાબતે વિસ્તાર ના ધારાસભ્ય અને મંત્રી કૌશિક વેકરીયા આ પરીવાર નો સહારો બનશે કે નહિ ?એવા પ્રશ્નો આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.

રિલેટેડ ન્યૂઝ