વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન, રાષ્ટ્રનિર્માણની પ્રભારીમંત્રી રીવાબા જાડેજાએ ઝાંખી રજુ કરી
બોટાદના ટાઉનહોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકસીત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રભારીમંત્રી રીવાબા જાડેજાએ વડાપગધાન મોદીના સુશાસન રાષ્ટ્રનિર્માણ સહીતના નિર્ણયોની ઝાંખી રજુ કરી હતી.
પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ વિકાસયાત્રાના લાભો આજે દેશનો દરેક નાગરિક અનુભવી રહ્યો છે. દેશની સુરક્ષા, આર્થિક સશક્તિકરણ, મહિલાઓના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિકસિત બોટાદ, વિકસિત ગુજરાતની નેમ સાથે જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન જિલ્લામાં રૂ. 250 કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ બને તે માટે જિલ્લામાં ત્રણ નવી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.
પ્રભારી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ બોટાદ જિલ્લાને મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં 2,598 આવાસોનું નિર્માણ થયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 4,087થી વધુ પરિવારોને પાકા મકાનોનો લાભ મળ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાં 6,390થી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં 35,060થી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે યુવાઓ અને મહિલાઓને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે સ્વચ્છતા જાળવવી, યોગને જીવનશૈલીમાં અપનાવવો, વીજળી બચાવવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, વ્યસનમુક્તિ તરફ આગળ વધવું અને વૃક્ષારોપણ સહિતના 12 સંકલ્પોની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ વિકાસયાત્રા અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોડિયા, ઉદ્યોગપતિ શંકરભાઈ ધોળું, સામાજિક અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ, કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી બી.સી. પરમાર, નિવાસી અધિક કલેક્ટર પી.એલ. ઝણકાત, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
