સંસ્કારનગરી સાવરકુંડલામાં બિરાજમાન ત્રિલોકનાયક ધર્મનાથ પ્રભુના જિનાલયની 175મી સાલગિરહની ઉજવણી નિમિત્તે તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પૂજ્ય આચાર્ય વિજય જિનદર્શનસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય વિજય યોગરતિસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણાનું સાવરકુંડલામાં મંગલ આગમન થયું હતું. તેમના આગમનથી સમગ્ર જૈન સંઘમાં હર્ષ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું.
સાવરકુંડલા જૈન સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહેતાના નેજા હેઠળ સંઘના શ્રાવક-શ્રાવિકાઓએ ભાવભેર સ્વાગત કરીને ધર્મલાભ મેળવ્યો હતો. સ્વાગત યાત્રા બાદ ઉપાશ્રયમાં યોજાયેલા કાર્યક્રમમાં મહારાજ સાહેબે માંગલિક પ્રવચન દ્વારા ધર્મ, સંયમ અને પ્રભુભક્તિનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આગામી તા.20-06-2026, શનિવારના રોજ સાવરકુંડલા જૈન સંઘ દ્વારા ધર્મનાથ પ્રભુના જિનાલયની 175મી સાલગિરા નિમિત્તે ભવ્ય ધ્વજારોહણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. સંઘ દ્વારા સર્વે શ્રાવક-શ્રાવિકાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
