વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ટોલ ભરવા મુદ્દે કર્મચારી સાથે રકઝક

બે કારમાં આવેલા છ શખ્સોએ ગાળા ગાળી કરી ધમકી આપી

વાંકાનેરના વઘાસીયા ટોલનાકે અમારી ગાડી ઉભી નહિ રાખવાની અને ટોલ ટેક્સ ભરવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન અલગ અલગ બે કારમાં આવેલા છ શખ્સોએ ટોલ કર્મચારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ટોલ પ્લાઝાના મેનેજરની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે વઘાસીયા ગામના બે શખ્સો સામે નામજોગ અને ચાર અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વઘાસીયા ટોલનાકે તા.15 જૂનની મધરાતે ટોલ ટેક્સ મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેમાં ફરિયાદી મુકેશકુમાર નિર્ભયકુમાર યાદવ રહે. શોભેશ્વર રોડ કુબેર એપાર્ટમેન્ટ મોરબી મૂળ જિતન બીગહા ગામ બિહાર વાળા, જે ટોલ પ્લાઝાના મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમને નોંધાવેલ ફરિયાદ મુજબ, વઘાસીયા ગામના જયરાજસિંહ ઝાલા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો ક્રેટા કાર જીજે-36-એજે-2312માં ટોલબુથ પર આવ્યા હતા અને વાહન રોકવા બાબતે કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સ્કોર્પિયો કાર જીજે-08-બોએચ-0007માં ત્યાં પહોંચ્યા હતા.આરોપીઓએ ટોલબુથના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી, ટોલ ટેક્સ ચૂકવવાનો ઇનકાર કર્યો અને કર્મચારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી જયરાજસિંહ ઝાલા, હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા તથા ચાર અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ