ધરાર માછીમારી કરવા ગયેલા ચાર સામે કાર્યવાહી
ઓખામાં માછીમારીનો વ્યવસાય કરનાર યુવાને જાળમાંથી માછલી કાઢી રહેલા ત્રણ શખ્સોને માછલી કાઢવાની ના પાડતા ત્રણેયે યુવાન પર હુમલો કર્યો હતો. જ્યારે પ્રતિબંધ હોવા છતા માછીમારી કરવા ગયેલા ચાર માછીમાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઓખામાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા શબીર અભુભાઈ ભીખલાણી નામના 32 વર્ષના સંધી મુસ્લિમ યુવાનની માછીમારીની જાળમાં રહેલી માછલીઓ કાઢી રહેલા અબ્દુલ નુરમામદ તરદ, કાદર અબ્દુલ તરદ અને રજાક અબ્દુલ તરદ નામના ત્રણ શખ્સોને ફરિયાદી શબીરભાઈએ ના કહેતા આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય આરોપીઓએ એકસંપ કરી, શબીરભાઈ સાથે બોલાચાલી કરી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ બેફામ માર મારી, છરી વડે હુમલો કરી, ઈજાઓ પણ કરી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઓખા નજીક આવેલા પોશીત્રા ગામના દરિયા કાંઠે જાવીદ દાઉદ ભીખલાણી, એજાજ ધાબુભાઈ સમા, રમજાન સુલેમાન ભીખલાણી અને હાજી જુમાભાઈ ભીખલાણી નામના ચાર માછીમારોએ હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરતા પોલીસે ઝડપી લઇ, બી.એન.એસ. અને ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા હેભાભાઈ રામભાઈ ભાટિયા નામના 83 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રતીક કરણાભાઈ ભાટીયાએ અહીંની પોલીસને કરી છે.
