મહુવા નજીક પિંગ્લેશ્ર્વર પાસે યુવાનને સિંહે ફાડી ખાધો

ગ્રામજનોમાં ફફડાટ : જંગલ ખાતુ દોડ્યું

ભાવનગર જિલ્લાના મહુવા પંથકના પિંગ્લેશ્વર મહાદેવ મંદિર નજીક ગત રાત્રિના સમયે એક હિંસક સિંહે 34 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનોમાં ભારે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ગઢડા ગામના રહેવાસી નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરિયા (ઉંમર 34) રાત્રિના અંધકારમાં પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પિંગ્લેશ્વર મંદિર નજીક અચાનક એક સિંહ ત્રાટક્યો હતો અને યુવકને ખેંચીને નજીકની ગીચ બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો. યુવક મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ આદરી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ગ્રામજનોએ તુરંત વન વિભાગને જાણ કરતા વન અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સ્થાનિકો અને વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત તપાસમાં બાવળની ગીચ ઝાડીઓમાંથી મૃતક યુવકના ફાટી ગયેલા કપડાં અને શરીરના લોહીલુહાણ અવશેષો મળી આવતા આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હચમચી ગયા હતા. મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વારંવાર વન્ય પશુઓના આંટાફેરા જોવા મળે છે, જેના કારણે લોકોમાં સતત ભયનું વાતાવરણ રહે છે. વન વિભાગે મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવભક્ષી બની ગયેલા આ સિંહને ઝડપી પાડવા માટે વન વિભાગે પાંજરા મૂકવા સહિતની સઘન કામગીરી શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ