ધામળેજ ગામે રણછોડરાય ગૌ શાળામાં પશુ આરોગ્ય કેમ્પ યોજાયો

મસ્ટાઈટીસ અવરનેસ કાર્યક્રમનો લોકોએ લાભ લીધો

તાલુકાના સૌથી મોટા ગામ ધામળેજ ખાતે આવેલ રણછોડરાય ગૌશાળામાં પશુપાલકો અને પશુઓના આરોગ્યને ધ્યાનમાં રાખી પશુ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામ તેમજ આસપાસના વિસ્તારોના પશુપાલકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો.
પશુ દવાખાનાની ટીમ દ્વારા વિવિધ પશુ રોગોની તપાસ કરી જરૂરી સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં પશુ ચિકિત્સક ડો. દીપકભાઈ ચૌહાણ, ડો. હાર્દિક જાખોત્રા તેમજ કાળુભાઈ પરમાર અને અભયભાઈ મોરીની ટીમે સેવા આપી હતી.
કેમ્પ દરમિયાન કુલ 52 પશુપાલકોના 220 ગાય વર્ગના પશુઓ તથા 310 ભેંસ વર્ગના પશુઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત પશુઓને કૃમિનાશક અને ઇતરડી નાશક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 580 ઘેટાં-બકરાંને કૃમિનાશક દવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમની સાથે ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ પશુ દવાખાના સુત્રાપાડાના સ્ટાફ દ્વારા ગીર સોમનાથ અઉઈંઘ કચેરીના મદદનીશ પશુપાલન નિયામક ડો. ચોચા. ની ઉપસ્થિતિમાં “મસ્ટાઇટીસ અવેરનેસ કાર્યક્રમ” નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધામળેજ તેમજ આસપાસના ગામોના અંદાજે 85 જેટલા પશુપાલકોએ ભાગ લીધો હતો.
મદદનીશ પશુપાલન નિયામક ડો. ચોચા સાહેબ તથા પશુ ચિકિત્સકો દ્વારા પશુઓમાં થતા મસ્ટાઇટીસ (આંચળનો સોજો) રોગ અંગે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોગના કારણો, લક્ષણો, નિવારણના ઉપાયો, દૂધ દોહન સમયે રાખવાની સ્વચ્છતા તેમજ સમયસર સારવારના મહત્વ વિશે પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ દૂધ ઉત્પાદનમાં વધારો અને પશુઓના આરોગ્ય જાળવવા માટે જરૂરી તકેદારીઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ