સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી: જામનગરમાં પોણો ઇંચ: રાજકોટ, ગોંડલ, દ્વારકામાં ઝાપટા
મહિસાગરના બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદથી પાણી-પાણી: નદી-નાળામાં નવા નીરની આવક
દેશમાં દક્ષિણ- પશ્ચિમ ચોમાસુ કેરળના દરિયાકાંઠોથી ધીમી ધીમે અન્ય રાજયો તરફ આગળ વધ્યું છે. દેશના હવામાન વિભાગ દ્વારા 15 રાજયમાં વરસાદનું હાઇએલર્ટ જાહેર કરાયું છે. ત્યારે લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાજયમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 62 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહિસાગરના બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા, ભાવનગર, સાવરકુંડલા, જુનાગઢ, કેશોદ, દ્વારકા, કલ્યાણપુર, લાંબા બંદર સહીતના વિસ્તારોમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. નજીવા ઝાપટામાં રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તો ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વાદળોની અવરજવરની સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ દક્ષિણ છત્તીસગઢલ ઉતર પ્રદેશ, ગુજરાત, વિદર્ભ તેમજ કોંકણ અને ગોવામાં પણ જુદા જુદા સ્થળો પર હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થઇ શકે છે. જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ભેજ અને વાદળોનો પ્રભાવ બનેલો છે. આ સ્થિતિમાં કયાંક હળવા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. 18 જુનથી ઉત્તર-પશ્ચિમી ભારતની નજીક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચવાની સંભાવના છે.
રાજયના વાતાવરણમાં બુધવારથી પલટો આવ્યો છે. બુધવારે મોડી રાત્રે મહિસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકજ દિવસમાં છ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ નદી-નાળામાં નવા નીરની આવક થઇ હતી. તો બીજી તરફ અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા સહીતના વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા.
ગુરૂવારે સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ, જામનગર, અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, જુનાગઢ, કેશોદ, દ્વારકા, કલ્યાણપુર, લાંબા બંદર સહીતના વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા વરસતા રાજમાર્ગો પાણી-પાણી થયા હતા.
રાજકોટ શહેરમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે પાંચ વાગ્યા બાદ તોફાની પવન સાથે જોરદાર ઝાપટું વરસ્યું હતું. નજીવા ઝાપટામાં શહેરના રાજમાર્ગો પાણી-પાણી થયા હતા. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગરપાલિકાના પ્રિ-મોનસુન પ્લાનની પોલી ખોલી નાખી હતી. તો 150 ફુટ રીંગ રોડ, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, રેસકોર્ષ રીંગરોડ, કાલાવડ રોડ સહીતના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.
જામનગર
ગુરૂવારે સવારે 11 વાગ્યા બાદ અચાનક આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ શરૂ થયેલા વરસાદે આશરે 15 થી 20 મિનિટ સુધી પોતાની હાજરી નોંધાવી હતી. લાંબા સમય થી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ ઝાપટું રાહત અને ખુશી બંને લઈને આવ્યું હતું.
વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેટલાક યુવાનો અને બાળકો વરસાદમાં ભીંજાઈને મોસમની પ્રથમ વરસાદી મજા માણતા નજરે પડ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ હતી. જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની અસર જોવા મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે, કારણ કે ચોમાસાની શરૂઆતના સંકેતો વચ્ચે કૃષિ કાર્યને નવી આશા મળી છે.
હાલ આકાશમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વધુ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમના પ્રથમ વરસાદી ઝાપટાં બાદ હવે નગરજનોની નજર આગામી સારા વરસાદ પર મંડાઈ છે અને મેઘરાજા સતત મહેરબાન રહે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં 20 મિનિટ સુધી પડેલા વરસાદી ઝાપટાં ના કારણે 20 મી.મી વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે. પ્રથમ દિવસે જ પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાતાં શહેરીજનો ખૂબ ખૂશખુશાલ બન્યા છે.
ભાવનગર
ગુરૂવારે બપોરે ભાવનગર શહેરમાં ચોમાસાની સીઝનનો આ પહેલો વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો. લાંબા સમયની આકરી ગરમીથી તોબા પોકારી ગયેલા સ્થાનિકોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર ના નારી ગામે સરકારી હોસ્પિટલ પાસે વીજળીના થાંભલા માં શોર્ટ સર્કિટ હતા પેલા વરસાદે જ વીજતંત્ર ની પોલ ખુલી ગઈ હતી. તળાજા શહેર અને તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમા ઝરમર થી લઈ નેવાધાર વરસ્યો હતો.બપોર સુધી ભારે તડકો,તાપ અને ગરમી જેવુ વાતાવરણ હતું. તેમા અચાનકજ બદલાવ આવ્યોહતો.ભીમ અગિયારસ પહેલા વાવણી લાયલ વરસાદ થઈજાય તોજે ખેડૂતો ને વાવણી બાકી હશેતેના માટે શુકનવંતી વાવણી ગણાશે.
ચોમાસુ નબળું રહશે તેવી આગાહીકારો ની આગાહી વચ્ચે કહીશકાય કે ડોશીશાસ્ત્ર અને સરકાર ના 15 જુનના વરસાદી કેલેન્ડર મુજબજ સમયસર મેઘરાજા એ તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દસ્તક દીધીછે.બપોર સુધી ઉકળાટ તાપ વચ્ચે અચાનક ચડીઆવેલ કાળા ડિબાંગ વાદળો નું સામ્રાજ્ય આકાશમાં છવાઈ ગયુંહતું. તળાજામા સામાન્ય નેવાધાર વરસાદ બપોર ના 4 વાગ્યા સુધીમાં ત્રણેક વખત વરસીગયો હતો.
કામરોળ,નવા-જુના સાંગાણાં, પસ્વી, બોરડા, હાજીપર, અલંગ, મણાર, સથરા, પીપરલા, તરસરા સહિતના ગ્રામ્ય પંથકોમા વિજળીના કડાકા સાથે મધ્યમધારે વરસાદ વરસ્યો હતો. જેને લઈ ગામડાઓની શેરી,રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યાહતા.ખેડૂતો ના અભિપ્રાય મુજબ વાવણી લાયક વરસાદ ન કહી શકાય પરંતુ જે ખેડૂતો એ આગોતરી વાવણી કરીનાખી છે અને જેને સિંચાઈ ના પાણીની જરૂરીયાત છે તેના માટે બે-ચાર દિવસ માટે આશીર્વાદ રૂપ કહી શકાય.
સાવરકુંડલા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં કુદરતે તેના મિજાજમાં મોટો બદલાવ લાવ્યો છે. સાવરકુંડલા તાલુકાના છાપરી ગામ સહિત તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના 1:30 વાગ્યાની આસપાસ અચાનક જ હવામાન પલટાયું હતું.છેલ્લા કેટલાય દિવસોથી બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે આ અણધાર્યા વરસાદે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરાવી દીધી છે.માત્ર અડધા-પોણા કલાકના વરસાદી માહોલે જ વાતાવરણને એકદમ આહલાદક અને પ્રફુલ્લિત બનાવી દીધું હતું.
બોટાદ
બોટાદમાં સવારનું વરસાદી વાતાવરણમાં બપોર પછી ઠંડો પવન, વંટોળીયો જોરદાર પવન સાથે બોટાદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી બોટાદના આજુબાજુના ગામડા મિલ્ટ્રી રોડ, સ્ટેશન રોડ, આવી કેટલી જગ્યાએ છુટો છવાયો વરસાદના ઝાપટા સાથે બોટાદમાં વરસાદ પડેલ છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં લાંબી રાહ બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં હળવા વરસાદી ઝાપટાં વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કાગડોળે વરસાદની રાહ જોતા શહેરીજનો અને ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં આશાનું કિરણ બની આવ્યા છે.
બગસરા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. પીઠડીયા ગામે હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આ ઉપરાંત બાલપુર, હડાળા વાઘણીયા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાતા હતો. રોડ-રસ્તાઓ ભીંજાયા હતા. બગસરા તાલુકાના ત્રણથી ચાર ગામોમાં વરસાદી ઝાપટાં પડતાં ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા ભટવદર ગામમાં પણ હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે અમરેલી બાયપાસ રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીના બન્યા હતા. ગુરૂવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા આ પ્રારંભિક વરસાદી ઝાપટાંએ ચોમાસાની આગાહી વચ્ચે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાવી છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા સાથે ખેડૂતો ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.
