પોલીસે રૂ. 46,461નો મુદામાલ કબ્જે કરી જામનગરના સપ્લાયરની શોધખોળ આદરી
જામ ખંભાળિયાના મેવાણ ગામે 33 બોટલ દારૂ સાથે બે બુટલેગરને ઝડપી લઈ પોલીસે રૂ. 46,461 નો મુદામાલ કબ્જે કરી જામનગર સપ્લાયરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એએસઆઈ ડાડુભાઈ જોગલ, કિશોરભાઈ નંદાણીયા અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર મોવાણ ગામે દરોડો પાડી, અહીં આવેલા જુના પશુ દવાખાનાના ખંઢેરમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 33 બોટલ કબજે કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 16,461 ની કિંમતની વિદેશી દારૂની 33 બોટલ તથા રૂપિયા 30,000 ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 46,461 ના મુદ્દામાલ સાથે આ જ ગામના જીગ્નેશ જીવાભાઈ દાફડા (ઉ.વ. 22) અને રાજ કારાભાઈ દાફડા (ઉ.વ. 19) નામના બે શખ્સોની અટકાયત કરી હતી.
દારૂનો આ જથ્થો તેઓએ જામનગરના નાઘેડી વિસ્તારમાં રહેતા રામ ગમારા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા તથા એસ.વી. આંબલીયાની ટીમ સાથે રહી હતી.
