પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં પથ્થરથી કુવાના બાંધકામમાં વન વિભાગ સામે ખેડુતોનો ભ્રષ્ટાચારનો ચોંકાવનારો આરોપ

વનવિભાગે બાંધેલા કુવા થોડા સમયમાં ધરાશાયી થઈ જાય છે ત્યારે કુવા બાંધવાની ગ્રાન્ટ સીધી ખેડુતને આપવામાં આવે તો તે જાતે કુવોબાંધી શકે

પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ રાજુલા વન વિભાગ દ્વારા ખુલ્લા કૂવાની ફરતે પથ્થરથી કૂવા બાંધવાની ચાલુ કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન ખાતા દ્વારા થતી કામગીરી અત્યંત નબળી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ માંગણી કરી છે કે કૂવા બાંધવાની ગ્રાન્ટ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે, જેથી કૂવા ઝડપથી અને જરૂરિયાત મુજબની સાઈઝમાં બાંધી શકાય.
રાજુલા પંથકમાં ખુલ્લા કૂવામાં સિંહ, દીપડા અને નીલગાય પડવાના બનાવો વારંવાર બની રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા કૂવા દીઠ રૂા. 20,000નું બજેટ ફાળવી ખુલ્લા કૂવાની ફરતે પથ્થરની દીવાલથી કૂવા બાંધવાની યોજના અમલમાં છે. હાલ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના વિકટર રાઉન્ડમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ વન વિભાગ દ્વારા બંધાતા કૂવા માત્ર 1ર થી 1પ ફૂટના અને અત્યંત નબળી ગુણવત્તાવાળા હોવાની ખેડૂતોની ફરિયાદ છે.
અગાઉ રાજુલા તાલુકાના ઉચિયા ગામે વન વિભાગ દ્વારા પથ્થરથી કૂવો બાંધવામાં આવ્યો હતો, જે થોડા સમયમાં જ ધરાશાયી થઈ ગયો હતો. આ અંગે ખેડૂત જયરાજભાઈ નાનાભાઈ ધાખડાએ જણાવ્યું કે, મારા ખેતરમાં ખુલ્લો કૂવો હતો. મેં અરજી કરતા વન વિભાગે પથ્થરથી કૂવો બાંધ્યો, પરંતુ કામગીરી સંપૂર્ણ ગુણવત્તા વગરની અને ભ્રષ્ટાચારયુક્ત હતી. પરિણામે મારો નવો બંધાયેલો કૂવો પડી ભાંગ્યો છે. મારી માંગણી છે કે આ મામલે ન્યાયિક તપાસ થાય અને મને ફરીથી કૂવો બાંધી આપવામાં આવે. જો મારા ખુલ્લા કૂવામાં ફરી કોઈ વન્યપ્રાણી પડશે અને મોતને ભેટશે તો તેની તમામ જવાબદારી વન વિભાગની રહેશે.
બીજી તરફ ખાંભલીયા ગામની સીમમાં અનેક કૂવા આજે પણ ખુલ્લા પડ્યા છે. તાજેતરમાં જ ખાંભલીયા ગામે એક સિંહ કૂવામાં પડી ગયો હતો. સદનસીબે તેનો બચાવ થઈ ગયો હતો, પરંતુ આ ગંભીર ઘટના બનવા છતાં આ વિસ્તારમાં પથ્થરથી કૂવા બાંધવા માટેની કોઈ જ કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ વિકટર ઉપરાંત ત્રણ-ચાર અન્ય રાઉન્ડ આવેલા છે, પરંતુ એકપણ રાઉન્ડમાં પથ્થરથી કૂવા બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.
સરકાર દ્વારા ફાળવાતા રૂા.20,000 ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો રકમ સીધી મળે તો અમે જરૂર પડ્યે રૂા. 5,000 પોતાના ઉમેરી રૂા. 25,000માં મજબૂત અને ઊંડો કૂવો બાંધી શકીએ. પોતાનું કામ હોવાથી ખેડૂત ગુણવત્તામાં બાંધછોડ નહીં કરે, એમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું.
હાલ વન વિભાગ..12.. 15 ફૂટના નાના કૂવા બાંધે છે. ખેડૂતોની માંગ છે કે જેટલી સાઈઝમાં કૂવો બાંધવો હોય તેટલી છૂટ મળવી જોઈએ. મોટો કૂવો હશે તો ભવિષ્યમાં મોટર ઉતારવામાં કે કૂવો વધુ ઊંડો કરવામાં કુવાળા માં નિસરણી મૂકવા માટે સરળતા રહેશે. દર વર્ષે માંડ 10% ખેડૂતોના કૂવા બંધાય છે. સિંહ જેવા ભયાનક પ્રાણીઓ ખુલ્લા કૂવામાં પડતા હોવાથી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી જરૂરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલ માત્ર 2-3 થેલી સિમેન્ટમાં કામ પતાવી દેવામાં આવે છે અને માત્ર આંકડા પૂરા કરવા કૂવા બાંધવામાં આવે છે. કામની દેખરેખ માટે કોઈ અધિકારી સ્થળ પર ફરકતા પણ નથી. ઇકો ટેંક ચોકીદાર યોજનાનો પણ યોગ્ય અમલ થતો નથી.

રિલેટેડ ન્યૂઝ