પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઇ: કારણ જાણવા તજવીજ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રાઈવેટ લિમિટેડ નામની પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીમાંથી ઊંચી ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા અને ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આગની જાણ થતાં જ સંચાલકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર બ્રિગેડની મદદ મંગાવવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે મોરબી ફાયર વિભાગની 4, હળવદ ફાયર વિભાગની 1 અને વાંકાનેર ફાયર વિભાગની 1 એમ કુલ 6 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવી લેવાયો છે અને પવન ને કારણે આગ ફરીથી ન પ્રસરે તે માટે બળી ગયેલ માલ.સામાનને હિટાચી દ્વારા ઊંચકી ને પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી.
પ્રાથમિક તબક્કે જાનહાનિ થવા પામી નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલી નુકસાનીનો અંદાજ હજુ સુધી સામે આવ્યો નથી.
