1.06 કરોડની એમ્બરગ્રીસ સાથે રાજુલા, જાફરાબાદના શખ્સો ઝડપાયા

કસ્તુરી અને સિંહના નખ સાથે ધ્રોલનો શખ્સ ઝડપાયો; ખંભાળીયા પોલીસે 1.07 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

ખંભાળીયા પોલીસે વન્યજીવ અને દરિયાઈ જીવસૃષ્ટિની પ્રતિબંધિત મૂલ્યવાન વસ્તુની ગેરકાયદે હેરાફેરી અને વેંચાણનો પર્દાફાશ કર્યો છે. એસઓજીની ટીમે રૂ.1.06 કરોડની વ્હેલમાછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજુલા અને જાફરાબાદના શખ્સને ઝડપી લીધા છે. જયારે કસ્તુરી અને સિંહના બે નખ સાથે ધ્રોલના શખ્સને ઝડપી લઈ રૂ. 1.07 કરોડનો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી વન્યજીવ તથા દરિયાઈ જીવસૃષ્ટિના પ્રતિબંધિત અને અતિ મૂલ્યવાન અંગોની ગેરકાયદેસર રીતે થતા ખરીદ-વેચાણ, સંગ્રહ અને હેરાફેરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે ઊભેલા બે શખ્સોને ઝડપી લઇ, પૂછતાછ કરતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રહીશ એવા રાકેશ ભગવાનજીભાઈ રામજીભાઈ સાંખટ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લાખા બાલાભાઈ ચનાભાઈ ડોડીયા નામના આ બે શખ્સો પાસે કોથળીમાં છુપાવીને રાખવામાં આવેલી વહેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) ના ટુકડા મળી આવ્યા હતા. આ એમ્બરગ્રીસનું વેચાણ કરવા ઉપરોક્ત બંને શખ્સો ગ્રાહકોને શોધવા માટે નીકળતા અહીં ઝડપાઈ ગયા હતા.
આમ, આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 1,06,50,000 ની કિંમતની 1 કિલો 65 ગ્રામ જેટલી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) નો જથ્થો કબજે કરી, આ અંગે મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આગળની કાર્યવાહી કરવા અર્થે જાણ કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન સ્ટાફના વિજયસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલા એક મંદિર પાસેથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ફિરોજ મામદ મકવાણા નામના શખ્સની અટકાયત કરી, ચેકિંગ દરમિયાન તેના પેન્ટમાં છુપાવીને રાખવામાં આવેલી કસ્તુરી તથા સિંહના બે નખ મળી આવ્યા હતા. જેના કોઈપણ પ્રકારના આધાર કે પુરાવા તેની પાસે ન હતા. આમ, આરોપી ફિરોઝ મકવાણાના કબજામાંથી પોલીસે રૂ. એક લાખની કિંમતની કસ્તુરી તેમજ રૂ. 20,000 ની કિંમતના સિંહના બે નખ કબજે કરી, આગળની તપાસ અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને માહિતગાર કરવામાં આવ્યા છે.
આ બંને કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 1,06,50,000 ની કિંમતની એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી), રૂ. એક લાખની કિંમતની કસ્તુરી અને રૂપિયા 20 હજારની કિંમતના સિંહના બે નખ મળી કુલ રૂપિયા એક કરોડ સાત લાખ સીતેર હજારનો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા, હરદેવસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, સુમાતભાઈ ચાવડા અને જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ