જસદણ નજીક સુરત-દેરડી કુંભાજીની ખાનગી બસ પલ્ટી જતા 11ને ઈજા

ખાનગી બસના ચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માત : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

રાત્રીના સમયે હાઈવે પર ખાનગી બસો યમદૂત બનીને દોડતી રહે છે. છાસવારે અકસ્માતો સર્જીને માનવજિંદગીને જોખમમાં મુકે છે. ત્યારે જસદણ નજીક સુરત-દેરડી કુંભાજી રૂટની ખાનગી બસના ચાલકે બસને ઓવરસ્પીડે ચલાવીને કાવો મારતા બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અગિયાર મુસાફરને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સુરતથી દેરડીકુંભાજી ડેઇલી સર્વિસ રૂટમાં ચાલતી શક્તિધામ નામની ખાનગી બસ જસદણ નજીક વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જે બસમાં સવાર 22 જેટલા મુસાફરોમાંથી 11 લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો અને જસદણ પોલીસ મથકના પી.આઇ ગોસાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલીક સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શક્તિધામ નામની ખાનગી બસ ડેઇલી સુરતથી દેરડીકુંભાજી ચાલે છે. ગઇકાલે રાત્રીના 22 જેટલા મુસાફર ભરી બસ સુરતથી દેરડીકુંભાજી જઇ રહી હતી. તે દરમ્યાન બસનો ચાલક બસ ઓવરસ્પીડમાં ચલાવી કાવા મારતો હતો. જે અંગે મુસાફરોએ બસ ચાલકને ટકોર પણ કરી હતી. તેમ છતાં ડ્રાઇવરે પોતાની મનમાની ચલાવી મુસાફરોના જીવ જોખમમાં મુકી બસ ઓવરસ્પીડમાં ચલાવી અકસ્માત સર્જયો હોવાનુ મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ