પરિમલભાઈ નથવાણી સતત ચોથી વખત સાંસદ બન્યા; ખંભાળીયામાં આતશબાજી

શ્રીરામ ગ્રુપ, વિજય સિનેમા ગ્રુપ, ભાજપના આગેવાનોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા

ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ તાજેતરમાં ઝારખંડમાં યોજાઈ ગયેલી રાજ્યસભાના સાંસદ પદ માટેની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. યોજાઈ ગયેલી ચૂંટણીમાં તેમણે નોંધપાત્ર મત મેળવી વિજય પ્રાપ્ત કરતા કરતા ખંભાળિયામાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રઘુવંશી જ્ઞાતિના પીઢ દાતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ સતત ચોથી ટર્મ માટે રાજ્યસભાના સાંસદ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. ભારે ઉત્તેજનાસભર અને રસાકસીભરી બની ગયેલી રાજ્યસભાની આ ચૂંટણીના ગઈકાલે યોજાઈ ગયેલા મતદાનમાં પરિમલભાઈ નથવાણીને નોંધપાત્ર 28 મત મળ્યા હતા. તેઓ તેમના કોંગ્રેસના હરીફ ઉમેદવારને ભરાવી વધુ એક વખત રાજ્યસભાના સાંસદ તરીકે વિજેતા બનતા તેમણે આ ભવ્ય વિજય બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપના શીર્ષ નેતૃત્વ તેમજ ઝારખંડના નેતાઓને પણ આભાર વ્યક્ત કર્યો હતો. પરિમલભાઈ નથવાણી સતત ચોથી વખત સાંસદ તરીકે વિજેતા બનતા તેમના વતન ખંભાળિયામાં ગઈકાલે અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમની આ ભવ્ય જીતને વધારવા માટે અહીંના શ્રીરામ ગ્રુપ (મોટાણી) પરિવાર દ્વારા નગર ગેઈટ નજીક ભવ્ય આતશબાજી તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો, હોદ્દેદારો, એડવોકેટો, તેમજ ધાર્મિક સંસ્થાના કાર્યકરો જોડાયા હતા. આ ઉપરાંત અહીંના જોધપુર ગેઈટ ચોકમાં ખંભાળિયા લોહાણા મહાજન સાથે ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને અહીં ફટાકડા ફોડી, પરિમલભાઈની આ જીતને વધાવવામાં આવી હતી. આ સાથે અત્રે ચાર રસ્તા વિસ્તારમાં પણ વિજય સિનેમા ગ્રુપ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ દત્તાણી, તુલસીદાસભાઈ ભાયાણી, જયેશભાઈ નથવાણી, પ્રતાપભાઈ દતાણી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, શૈલેષભાઈ કણજારીયા, અનિલભાઈ તન્ના, કારોબારી ચેરમેન રાજ પાબારી, મોહિતભાઈ મોટાણી, સલાયા શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ ભુવા, ઇન્દ્રજીતસિંહ પરમાર, હર્ષદ મુળુભાઈ બેરા, ઘેલુભાઈ ગઢવી, સંજયભાઈ નકુમ, રમણીકભાઈ રાડીયા, ભરતભાઈ મોટાણી, સી.એમ જોશી (એડવોકેટ), સહિતના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જીતનું જશ્ન મનાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ