સ્ટર્લિંગ રામ કૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામ દ્વારા 17 અને 18 જૂન 2026ના રોજ રાજહંસ સિનેમા, ગુરુકુલ, ગાંધીધામ ખાતે નર્સિંગ સ્ટાફ માટે વિશેષરૂપે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. નર્સના પ્રેરણાદાયી જીવનપ્રવાસ પર આધારિત ભારત ભાગ્ય વિધાતા ફિલ્મની પસંદગી ખાસ આ પ્રસંગને અનુરૂપ કરવામાં આવી હતી. ફિલ્મમાં નર્સિંગ કેરની પ્રતિબદ્ધતા, સંઘર્ષશીલતા અને માનવતાવાદી ભાવનાનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મે ઉપસ્થિત નર્સિંગ સ્ટાફને પ્રેરણા આપી હતી તેમજ પોતાના વ્યવસાય પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત બનાવી હતી.
આ પ્રસંગે સ્ટર્લિંગ હોસ્પિટલોના ખઉ અને ઈઊઘ સંતોષ મારાઠેએ જણાવ્યું હતું કે, અમારી નર્સો દર્દી સંભાળના કેન્દ્રસ્થાને છે અને કરુણાસભર, સુરક્ષિત તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ પૂરી પાડવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમની સમર્પણભાવના, સહાનુભૂતિ અને અડગ પ્રતિબદ્ધતા દરરોજ દર્દીઓ તથા તેમના પરિવારજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આ વિશેષ ફિલ્મ સ્ક્રીનિંગ તેમની અમૂલ્ય સેવાઓ પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક નાનકડો પ્રયાસ છે. સ્ટર્લિંગ હોસ્પિટલો ખાતે અમે એવું વર્ક અન્વાયર્નમેન્ટ નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં અમારા આરોગ્યકર્મીઓ પોતાને સન્માનિત, પ્રોત્સાહિત અને પ્રેરિત અનુભવે.
આ કાર્યક્રમ દ્વારા નર્સિંગ ટીમને હોસ્પિટલના વાતાવરણની બહાર સહકર્મચારીઓ સાથે સમય પસાર કરવાનો, આરામ કરવાનો અને એકબીજા સાથે વધુ સારો સંબંધ સ્થાપિત કરવાનો અવસર પણ મળ્યો હતો. આવી પહેલ કર્મચારીઓના મનોબળમાં વધારો કરવા, ટીમ સ્પિરિટને મજબૂત બનાવવા અને સકારાત્મક કાર્યસંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
