INTACH અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંયુક્તમાં કરશે અભ્યાસ
રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રદેશના સાંસ્કૃતિક, સ્થાપત્ય, પ્રાકૃતિક તથા અમૂર્ત વારસાના સંશોધન, દસ્તાવેજીકરણ અને જાગૃતિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ઉત્પલ એસ. જોશીની ઉપસ્થિતિમાં INTACH રાજકોટ ચેપ્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરાર અંતર્ગત બંને સંસ્થાઓ સ્થાનિક ઇતિહાસ, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસા, લોકપરંપરાઓ તેમજ સમુદાયોની સ્મૃતિઓના સંશોધન અને દસ્તાવેજીકરણ માટે સંયુક્ત રીતે કાર્ય કરશે. સાથે સાથે હેરિટેજ વોક, સેમિનાર, વર્કશોપ, વ્યાખ્યાનમાળા, પ્રદર્શનો, ક્ષેત્ર અભ્યાસ, મૌખિક ઇતિહાસ પ્રકલ્પો અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.
કુલપતિ ડો. ઉત્પલ એસ. જોશીએ આ પહેલને આવકારતાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓનું કાર્ય માત્ર જ્ઞાન પૂરું પાડવાનું જ નથી, પરંતુ સમાજની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને સમજવા અને જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સહયોગ વિદ્યાર્થીઓને પુસ્તકોની બહાર નીકળી સ્થાનિક ઇતિહાસ અને વારસાને નજીકથી જાણવાની તક આપશે અને સંશોધનને સમાજ સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડશે.
આ પ્રસંગે INTACH રાજકોટ ચેપ્ટરના ક્ધવીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહ તથા અનુસ્નાતક ઇતિહાસ વિભાગના વડા ડો. કલ્પા માણેકે જણાવ્યું હતું કે, આ પહેલ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘નેશનલ મિશન ઑન કલ્ચરલ મેપિંગ’ જેવી રાષ્ટ્રીય પહેલોના ઉદ્દેશોને અનુરૂપ છે અને સ્થાનિક ઇતિહાસ તથા વારસાના સંરક્ષણને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, આજના સમયમાં સ્થાનિક પરંપરાઓ, સંસ્કૃતિ અને વારસાના વ્યવસ્થિત દસ્તાવેજીકરણની જરૂરિયાત સતત વધી રહી છે અને આ સહયોગ તે દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.
પાંચ વર્ષ માટે અમલમાં રહેનારો આ કરાર ભવિષ્યમાં અનેક સંયુક્ત સંશોધન, દસ્તાવેજીકરણ અને જનજાગૃતિ પ્રકલ્પોને પ્રોત્સાહન આપશે તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
