કમિટી દ્વારા શુક્રવારે દરગાહ ગ્રાઉન્ડમાં યોજાશે ન્યાઝ
ધોરાજી ખાતે મુસ્લિમ સમાજના પવિત્ર શહીદી પર્વ મોહરમ નિમિત્તે આસુરાના દિવસે પરંપરાગત રીતે યોજાતી હુસેની ન્યાઝનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધોરાજીની હુસેની કમિટી દ્વારા તા. 26 જૂન, શુક્રવારના રોજ ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે સાંજે 7:00 કલાકથી ભવ્ય ન્યાઝ શરૂ કરવામાં આવશે.
ઇસ્લામના મહાન શહીદ હજરત ઇમામ હુસૈન (અ.સ.) તથા કરબલાના શહીદોની યાદમાં છેલ્લા 115 વર્ષથી સતત આ ન્યાઝનું આયોજન કરવામાં આવે છે. આ ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાએ સમાજમાં એકતા, ભાઈચારો અને માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો છે.
હુસેની કમિટીના જણાવ્યા મુજબ હજારો લોકો એકસાથે ન્યાઝનો લાભ લઈ શકે તે માટે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. ન્યાઝની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે અને આશરે 200 જેટલા કાર્યકરો ખડેપગે સેવા આપી રહ્યા છે.
ધોરાજી ઉપરાંત ઉપલેટા, જામકંડોરણા તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકો દર વર્ષે આ ન્યાઝમાં ઉપસ્થિત રહી લાભ લેતા હોય છે. આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
હુસેની કમિટીએ તમામ સમાજના લોકોને શાંતિ, ભાઈચારો અને શ્રદ્ધાભાવ સાથે ઉપસ્થિત રહી ન્યાઝનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ધોરાજીની આ 115 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરા આજે પણ અવિરત રીતે આગળ વધી રહી છે, જે શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનું પ્રતિક બની છે.
