હાજીયાણી બિલકિસબેન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ
ગઢડા(સ્વામીના) પંથકમાં સેવાકીય ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર ખીમાણી પરિવાર દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ કાયમ રહે તેવા પ્રયત્નો સાથે હંમેશા સામાજિક પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે વધારે એકવાર ખીમાણી પરિવાર તરફથી હાજીયાણી બિલકિસબેન હજી મજીદભાઈ ખીમાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં કાર્યરત અને સાતસો ઉપરાંત વિધાર્થિની બહેનો સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી ધબકતી ક. ર. વી.ગો. નૂતન ક્ધયા વિદ્યાલયમાં આરો ફિલ્ટર સ્વચ્છ ઠંડુ પાણી કાયમ મળી રહે તેવા ઉમદા આશય સાથે પ્રતિ કલાકે 250 લીટર પાણી ફિલ્ટર પ્લાન્ટ સાથે ઠંડા પાણી માટેનું વોટર કુલર ભેટ કરાયું છે.
આ સેવા માટે વિદ્યાલયના આચાર્ય પિનાકીન ભાઈ જોષી સાથે થયેલ ઔપચારિક વાતચીત દરમિયાન શાળા માટે પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા જરૂરી હોવાની માહિતી મળતા ગઢડા ના અગ્રણી સેવાભાવી આગેવાન ઈરફાનભાઈ ખીમાણીએ તાત્કાલિક ઓર્ડર આપી બન્ને ઉપકરણો શાળામાં લગાવી યાદગાર ભેટ આપી છે. જેના પગલે શાળા પરિવાર વતી કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર અને આચાર્ય પિનાકીનભાઈ જોષી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.
