3,804 બોટલ દારૂ અને ટ્રક મળી 20.19 લાખનો મુદ્દામાલ જપ્ત : બુટલેગર સહિતના ફરાર
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ જિલ્લામાં જાણે કાયમી પડાવ નાખ્યો હોય તેમ એક પછી એક મોટા દરોડા પાડીને સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે. રાજકોટ શહેર પોલીસ બાદ હવે રાજકોટ ગ્રામ્ય પોલીસનું નબળું ઇન્ટેલિજન્સ નેટવર્ક વધુ એક વખત સરેઆમ ખુલ્લું પડ્યું છે.
પડધરી નજીક નદીના કાંઠે ડુંગળીની આડમાં આઈશર ટ્રકમાંથી થઈ રહેલા વિદેશી દારૂના મોટા કટિંગ પર એસએમસીની ટીમે ત્રાટકીને રૂ.9.79 લાખની કિંમતની 3,804 બોટલ દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.20.19 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સને દબોચી લીધા છે જ્યારે મુખ્ય બૂટલેગર ઈરફાન કાદરી સહિતનાઓ નાસી છૂટ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એમ.કે. માલવિયાની રાહબરી હેઠળ સ્ટાફ રાજકોટ ગ્રામ્ય હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી ગામે કિંગ પોલી પ્લાસ્ટ લિમિટેડ કંપનીથી આગળ નદીના કાંઠે ખુલ્લા વિસ્તારમાં એક આઈશર ટ્રકમાં ડુંગળીની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી કટિંગ કરવામાં આવી રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે રાત્રિના અંધારામાં દરોડો પાડતા બાવળોની આડમાં છુપાવેલી ટ્રક મળી આવી હતી. પોલીસને જોઈને ત્રણ શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી બે શખ્સ બાવાશા યાશીનશા પઠાણ (રહે. ભગવતીપરા, રાજકોટ) અને સચિન શાંતિલાલ પરમાર (રહે. મોવૈયા, પડધરી)ને પોલીસે દબોચી લીધા હતા, જ્યારે ત્રીજો શખ્સ અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો.
પકડાયેલા આરોપી બાવાશા પઠાણની આકરી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેણે કબૂલ્યું હતું કે, રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે બૂટલેગર ઈરફાન કાદરીએ તેને રૂ.5,000 રોકડા આપી સાપુતારા દારૂ લેવા મોકલ્યો હતો. સાપુતારામાં એક હોટેલ પાસે દારૂ અને ડુંગળી ભરેલી આઈશર ટ્રક તૈયાર રાખવામાં આવી હતી.
ઈરફાનના ફોન પર મળેલી સૂચના મુજબ બાવાશા ટ્રક લઈને રાજકોટ તરફ આવવા નીકળ્યો હતો. ટ્રક તરઘડી ગામ વટાવી રામપર ગામના પાટિયા પાસે પહોંચતા જ ઈરફાનના બે માણસો ત્યાં બાઈક લઈને લાઈન ક્લિયર કરાવવા અને કટિંગની જગ્યા બતાવવા માટે ગોઠવાઈ ગયા હતા. આરોપી છેલ્લા 6 મહિનાથી ઈરફાન માટે દારૂની હેરાફેરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
