મેંદરડા : વોર્ડ નં.18માં સીસી રોડનું કામ શરૂ: પદાધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ

નવા સેક્શન ઓફિસર આવતા જ ખોરંભે ચડેલા વિકાસ કાર્યોને વર્ક ઓર્ડર મળતા વેગ મળ્યો

મેંદરડા તાલુકા અને ગ્રામ પંચાયત વિસ્તાર માં લાંબા સમયથી અટકેલા વિકાસના કામોને આખરે ગતિ મળી છે. સ્થાનિક વહીવટી તંત્રમાં થયેલા સકારાત્મક ફેરફારોને પગલે ગ્રામ્ય સ્તરે સુવિધાના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે, જેના ભાગરૂપે મેંદરડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 18 માં સીસી રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે.
આ સીસી રોડનું કામ લાંબા સમય સુધી ટકાઉ અને મજબૂત બને તે હેતુથી સ્થાનિક લોક પ્રતિનિધિઓ ખૂબ જ ગંભીર જણાઈ રહ્યા છે. રોડ નિર્માણની કામગીરીમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જે.ડી. ખાવડુ, પંચાયત સદસ્ય પરસોતમભાઈ ઢેબરીયા, તાલુકા પંચાયત સભ્ય કમલેશભાઈ સોલંકી દ્વારા ચાલુ કામ પર સતત હાજર રહીને પ્રત્યક્ષ નિરીક્ષણ (સુપરવિઝન) કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા પંચાયતની ગ્રાંટ માંથી મંજૂરી વોર્ડ નંબર 18 નો આ સીસી રોડ જિલ્લા પંચાયતના સદસ્ય હરેશભાઈ ઠુંમરની ખાસ ગ્રાંટમાંથી મંજૂર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મેંદરડા તાલુકામાં ઘણા સમયથી વહીવટી પ્રક્રિયાઓ અથવા અન્ય કારણોસર અનેક વિકાસ કાર્યો ખોરંભે ચડેલા હતા. પરંતુ તાલુકામાં નવા સેક્શન ઓફિસરની વરણી થતાં જ વહીવટી તંત્ર મજબૂત બન્યું છે. નવા સેક્શન ઓફિસરે ચાર્જ સંભાળતાની સાથે જ અટકેલા અને મંજૂર થયેલા કામોને તાત્કાલિક અસરથી ચાલુ કરવા માટેના ‘વર્ક ઓર્ડર’ જાહેર કરી દીધા છે.

રિલેટેડ ન્યૂઝ