અમરેલી જિલ્લામાં દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકની દૃઢ ઇચ્છા શક્તિએ સર્જ્યો નવો ઉદ્યોગ
અમરેલીમાં સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે
મન હોય તો માળવે જવાય એ કાઠિયાવાડી કહેવતને સાર્થક કરતાં અમરેલી જિલ્લાના ચાર યુવા ઉદ્યોગ સાહસિકોએ સ્થાનિક સ્તરે નવી ઔદ્યોગિક પહેલ કરી છે. દિવ્યાંગ ઉદ્યોગસાહસિક ચેતનભાઈ તથા તેમના સાથી મિત્રો દીપકભાઈ, નરેશભાઈ અને સુરેશભાઈએ સંયુક્ત રીતે ઙઊઝ બોટલના ઉત્પાદન માટે જરૂરી ઙઊઝ પ્રીફોર્મ બનાવતા અદ્યતન યુનિટની સ્થાપના કરી છે.
અમરેલી શહેર નજીક કૃષ્ણા સોલ્વેન્ટ પાસે, ફતેપુર રોડ પર સ્થિત DBS Poly Pack અનેDBS Prepack LLPના આ નવા યુનિટનો શુભ શુભારંભ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીએ ઉદ્યોગસાહસિકોને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, યુવાનોની મહેનત, દૃઢ સંકલ્પ અને નવીન વિચારસરણીથી સ્થાનિક સ્તરે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આવા ઉદ્યોગો માત્ર વ્યવસાયિક પ્રગતિ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવામાં અને જિલ્લાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
ઙઊઝ પ્રીફોર્મ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અમરેલી જિલ્લામાં આ પ્રકારનું યુનિટ સ્થાપિત કરનાર આ સાહસિકો પ્રથમ હોવાનું જણાવાયું છે. ઙઊઝ બોટલના ઉત્પાદનમાં ઉપયોગી પ્રીફોર્મના સ્થાનિક ઉત્પાદનથી પેકેજિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગોને પણ લાભ મળવાની શક્યતા છે.
પોતે દિવ્યાંગ હોવા છતાં ચેતનભાઈએ પોતાના સાથીદારો સાથે મળીને ઉદ્યોગ સ્થાપનનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમની આ સફળતા યુવાનો માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે. સતત પરિશ્રમ, સાહસ અને આત્મવિશ્વાસથી કોઈપણ પડકારને તકમાં પરિવર્તિત કરી શકાય છે, તેનું આ યુનિટ ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે મંત્રીના અંગત મદદનીશ, ભાવેશ ભાલિયા,જીતેન્દ્ર બોદર, પરેશ બોઘરા, મહેશ વઘાસીયા, આશિષ ધડુક, મિલાપ ભટ્ટ સહિત સારથી સોસાયટીના અંગત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
