Jai Hind

ગીર સોમનાથ એસ.ઓ.જી. ટીમની મોટી કાર્યવાહી સુત્રાપાડાના લોઢવા ગામની સીમમાંથી 16 કિલો ગાંજો ઝડપાયો

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મહત્વની સફળતા મળી છે.
સુત્રાપાડા પોલીસ મથક વિસ્તાર હેઠળના લોઢવા ગામની સીમમાં દરોડા દરમિયાન પોલીસે રૂ. 8.42 લાખથી વધુ કિંમતનો 16.767 કિલોગ્રામ લીલો અને સૂકો ગાંજો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.
તા. 22 જૂન, ના રોજ એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવા ના નેતૃત્વ માં એસઓજી ની ટીમ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી. તે દરમિયાન એસઓજી ના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અમૃતલાલ, પોલીસ કોન્સ્ટેબલ નદીમ શેરમહમદ, કલ્પેશભાઈ કાનાભાઈ અને મહાવીરસિંહ મંગલસિંહને વિશ્વસનીય બાતમી મળી હતી કે લોઢવા ગામની વેકરાનો પા નામની સીમમાં આવેલા હનુમાન મઢી નજીક એક વ્યક્તિ પોતાના કબ્જાવાળા ફળિયામાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ રેઇડ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીના કબ્જા-ભોગવટાના સ્થળેથી 16.767 કિલોગ્રામ વજનનો લીલો અને સૂકો ગાંજો મળી આવ્યો હતો. ઉપરાંત એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ કબ્જે લેવામાં આવ્યો હતો.
પોલીસે કુલ રૂ. 8,42,350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જેમાં રૂ. 8,38,350 કિંમતનો ગાંજો અને રૂ. 4,000 કિંમતનો મોબાઇલ ફોન સામેલ છે.
આ કેસમાં લોઢવા ગામની વેકરાનો પા સીમમાં રહેતા 60 વર્ષીય વિક્રમભાઈ ઓઘડભાઈ ભોળાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના રહેણાંક સ્થળે ગાંજા નો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(ઈ) તથા 20(2)(ઇ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલો ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇન શું હતી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.