બસના માલીકોને રૂ.15 લાખ જેટલો દંડ ફટકાર્યો; આરટીઓની ડ્રાઈવથી ટ્રાવેલ્સ સંચાલકોમાં ફફડાટ
ખંભાળિયા વિસ્તારમાંથી પસાર થતી અને અન્ય રાજ્યના પાર્સિંગ વાળી લાંબા રૂટની ખાનગી બસ અંગે ખંભાળિયા આરટીઓ વિભાગ દ્વારા આજરોજ સધન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ટુરિસ્ટ પરમિટનો ભંગ તેમજ ટેક્સ ચોરી સંદર્ભ જુદી જુદી 14 બસો ડીટેઇન કરી, અંદાજિત રૂપિયા 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે આરટીઓ વિભાગ દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે મંગળવારે સવારથી અહીંના આરટીઓ કચેરીના એ.આર.ટી.ઓ. તેમજ સ્ટાફ દ્વારા ખાનગી બસ અંગે મેગા ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ખાનગી બસ સંચાલકો દ્વારા ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટનો ભંગ કરી, ગુજરાત રાજ્યનો ટેક્સ ચોરી કરવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.
ગુજરાત રાજ્ય બહાર રજીસ્ટર થયેલી તેમજ ગુજરાત રાજ્યમાં પણ રજીસ્ટર થયેલી કુલ 14 બસોને નિયમભંગ વિરુદ્ધ ડીટેઈન કરવામાં આવી હતી. તેમાં ગુજરાત રાજ્યનો ટેક્સ ચોરી કરવા સંદર્ભે 8 બસને ડીટેઈન કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ તમામ બસના સંચાલકોને આશરે રૂ. 15 લાખ જેટલી તોતિંગ રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પણ દ્વારા જાણવા મળ્યું છે. હાલ દ્વારકા અને અમદાવાદ, સુરત બરોડા વચ્ચે ચાલતી સ્લીપર બસમાં ટૂરિસ્ટ પરમિટનો ભંગ થતો હોવાથી આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેનાર હોવાનું પણ જાણવા મળેલ છે.
