Jai Hind

સાસણ, ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન ચાર માસ માટે બંધ

શરદપૂર્ણિમાં આસપાસ જંગલનું વેકેશન પૂર્ણ થશે

મંગળવારે સવારથી સાસણ ગીર અને ગિરનાર નેચર સફારી માં 4 માસ સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ કરવામાં આવેલ છે. આ ચાર મહિના દરમિયાન સિંહ સહિતના અન્ય વન્યજીવો માટે સંવનન અને સંવર્ધનનો ગાળો હોય છે. તેથી તેમને આ સમયે તેમને માનવીય ખલેલ વગર એકાંત મળે તે જરૂરી હોય, તે માટે મંગળવારે સવારથી પ્રવાસીઓ માટે જંગલનાં દ્વાર ચાર માસ સુધી બંધ રાખવામાં આવશે.
વન વિભાગ દ્વારા દર વર્ષે સત્તાવાર રીતે તા. 15 જૂનથી 4 માસ સુધી સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વરસાદ મોડો છે, જેના કારણે સરકારના વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે એક સપ્તાહનો સમય વધારવામાં આવ્યો હતો, અને ગઈકાલે છેલ્લી સફારી બાદ આજ તા. 23 જૂનથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારીના દ્વાર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે. વન અધિકારીના જણાવ્યા મુજબ, 15 જૂનથી ચાર મહિનાનો સમયગાળો એશિયાટિક સિંહ અને જંગલમાં વસતા અન્ય વન્યજીવો માટે સંવનન અને સંવર્ધનનો ગાળો હોય છે. આ સાથે ચોમાસાનો આ ચાર મહિના દરમિયાન વન વિસ્તારમાં વરસાદ પણ સારા પ્રમાણમાં પડતો હોવાથી, જંગલના કાચા રસ્તાઓ ધોવાઈ જતા હોય છે, અને વાહનો ચલાવવા પણ જોખમી બની શકતા હોય છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે.
આમ, આજ તા. 23 જૂનના રોજ સાંજે 6 વાગ્યાથી જંગલ સફારીનો સમય પૂર્ણ થતાંની સાથે જ સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારીના તમામ રૂટના દરવાજાઓ પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. તથા ઓફ લાઇન અને ઓનલાઈન બુકિંગ વિન્ડો પણ આ સમયગાળા દરમ્યાન બંધ રહેશે.
જો કે, આ ચાર મહિના બાદ વન વિસ્તારમાં પ્રકૃતિ ખીલી ઉઠશે, તે સાથે સિંહ સહિતના અન્ય વન્યજીવોના પરિવારમાં નવા સભ્યોના આગમન સાથે વન વિસ્તાર પ્રકૃતિ અને નવા અવતરેલા વન્ય જીવોથી ફરી ભર્યું ભાદર્યુ થશે. અને આગામી પરંપરા મુજબ, સંભવત તા. 16 અથવા 19 ઓક્ટોબર એટલે કે શરદ પૂર્ણિમા આસપાસ જંગલનું આ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી એકવાર ગીરનાં દરવાજા, સિંહ સહિતના વન્ય જીવ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ તથા દેશ – વિદેશના પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખોલવામાં આવશે.
દેવળીયા અને આંબરડી સફારી પાર્ક ખુલ્લા રહેશે
વન અધિકારીના જણાવ્યા અનુસાર, સાસણ અને ગીરનાર સફારી આજ તા. 15થી 4 માસ માટે પ્રવાસીઓ માટે બંધ કરાયા છે, પરંતુ દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્ક (ધારી) નિયત નિયમો અને હવામાનની સ્થિતિને આધીન પ્રવાસીઓ માટે ચાલુ રાખવામાં આવે છે. અને પ્રવાસીઓ આ બંને સફારી પાર્કની મુલાકાત લઈ શકે છે.
સાસણમાં 12 લાખ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા
સાસણના ડી.એફ.ઓ. અગ્નિવર વ્યાસના જણાવ્યા મુજબ, આ વર્ષે એપ્રિલ 2025 થી જુન 2026 સુધીના સમય ગાળામાં સાસણ ખાતે 12 લાખ કરતા વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. જે પૈકી ગીર અભયારણ્યમાં 2.84 લાખ અને દેવળિયા સફારી પાર્કમાં 9.27 લાખ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા..