યુપીનો યુવાન પેટીયુ રળવા આવ્યો ને જીવ ગુમાવ્યો
વાંકાનેરના માટેલ રોડ પર આવેલી ઇન ડિઝાઇન સિરામિક ફેક્ટરીમાં લોડિંગ કામ દરમિયાન અકસ્માતે વીજ કરંટ લાગતા ઉત્તરપ્રદેશના 19 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર જીલ્લાના લદીગવા ગામના અને હાલ માટેલ રોડ પર આવેલી ઇન ડિઝાઇન સિરામિક ફેક્ટરીમાં રહેતા રેહાન કલ્લુભાઈ શાહ ઉવ.19 લોડિંગ પોઇન્ટ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રેકડો લઈ જતા સમયે ત્યાં પડેલા પંખાના વાયર સાથે સંપર્ક થતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. જેથી તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકનું વીજ શોક લાગતા મોત
મોરબીના રાજપર ગામે રહેતા વિવેક કરણસીંગ આહિરવાડ ઉવ.18ને અકસ્માતે વીજ કરંટ લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જોઈ તપાસી વિવેકભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
અકસ્માતે યુવાનનું મોત
પ્રાપ્ત વિગતો મુજબ, મકનસર ગામના પીયુષભાઈ ભીખુભાઈ ભરડા ઉવ.22 ગત તા.21 જૂનની રાત્રે સરતાનપર રોડ ટીટા ચોકડી પાસે બંધ પડેલા ટ્રકની નીચે કામ કરી રહ્યા હતા ત્યારે ટ્રકનો જોઈન્ટ માથા પર પડતાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી પ્રથમ રફાળેશ્વર એપેક્સ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.