Jai Hind

વેરાવળ મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીમાં લાંચ લેતા કરાર આધારિત પટ્ટાવાળો ઝડપાયો

ટ્રસ્ટના પ્રમાણપત્ર માટે રૂ.પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો

વેરાવળ તાલુકાના ઇણાજ ગામ આવેલ કચેરીમાં ટ્રસ્ટ પ્રમાણપત્ર માટે રૂા.5 હજારની લાંચ કરાર આધારિત પ્યુન લેતા એસીબીના છટકામાં ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઇણાજ ખાતે આવેલી મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીમાં લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવા માટે રૂા.5 હજારની લાંચ લેતા કરાર આધારિત પટાવાળા રાહુલભાઈ પુંજાભાઈ વંશ ને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગેની વધુ વિગતો અનુસાર, એક ફરિયાદીએ પોતાના ટ્રસ્ટની નોંધણી માટે નિયમ મુજબ અરજી કરી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્રસ્ટની નોંધણી મંજૂર થઈ હતી. જોકે, નોંધણી પ્રમાણપત્ર આપવા માટે કચેરીના કરાર આધારિત પટાવાળા રાહુલભાઈ વંશે રૂા.5 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી કચેરી નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબી ના અધિકારીઓએ પ્રાથમિક ચકાસણી કરી લાંચની માંગણી ની હકીકત સ્થાપિત કરી હતી ત્યારબાદ, એસીબી દ્વારા એક ટ્રેપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ ફરિયાદીએ લાંચની રકમ આપવા આરોપીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમે વોચ ગોઠવી હતી. રાહુલભાઈ વંશે ફરિયાદી પાસેથી રૂા.5 હજારની લાંચ સ્વીકારતા જ એસીબી અધિકારીઓએ દરોડા પાડી તેને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે.
આ બનાવ બાદ સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને કામગીરી માટે લાંચની માંગણી જેવા મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. એસીબી દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરેલ છે.