લખનૌની કોચિંગ ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાએ 15 વિદ્યાર્થીઓનો ભોગ લીધો. આ કરુણ ઘટનાના સમાચાર મળતાં જ મોરારિબાપુએ હનુમાનજીની સાંત્વના રૂપે દરેક દિવંગત વિદ્યાર્થીના પરિવારને 15,000 લેખે કુલ 2,25,000ની તાત્કાલિક સહાય અર્પણ કરી છે. આ રકમ રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચશે.
માત્ર દેશ જ નહીં, બાપુની દ્રષ્ટિ સાત સમંદર પાર કેન્યા સુધી પહોંચી. પશ્ચિમ કેન્યાના પોકોટમાં ખાણ દુર્ઘટનામાં 19 અને કાજીઆડોમાં મકાન ધરાશયી થતાં 4, એમ કુલ 23 નિર્દોષ જીવ ગુમાવનાર પરિવારો માટે બાપુએ 15,000 લેખે કુલ 3,45,000ની સહાયનો ધોધ વહેતો કર્યો છે. આ સહાય નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં તાત્કાલિક પહોંચાડી દેવાઈ છે. મોરારિબાપુએ છેલ્લા 8 દિવસથી માનવતાની જે મહેંક પ્રસરાવી છે તે અદ્ભુત છે. દરરોજ કોઈને કોઈ ખૂણે બનતી દુર્ઘટનામાં પીડિતો માટે બાપુએ ભગીરથ સહાયનો ધોધ વહેતો કર્યો છે. બાપુની આ અવિરત કરુણા દેશ-વિદેશના અસંખ્ય ગરીબ, પીડિત અને નિરાધાર પરિવારો માટે આશીર્વાદરૂપ અને સંજીવની બની રહી છે. બાપુએ લખનૌ અને કેન્યાની દુર્ઘટનામાં દિવંગત થયેલા તમામ પુણ્યાત્માઓના નિર્વાણ અર્થે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને શોકાતુર પરિવારજનોને હૈયાધારણા આપી છે.