Jai Hind

મોહરમ અને રથયાત્રાના તહેવારોને અનુલક્ષી સાવરકુંડલા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો

હિન્દુ-મુસ્લીમ અગ્રણીઓ દ્વારા એસ.પી.નું સ્વાગત

હિન્દુ મુસ્લિમોના આગામી તહેવારો મહોરમ તેમજ રથયાત્રાને અનુલક્ષીને અમરેલી જિલ્લાના વડા સંજય ખરાત તેમજ સાવરકુંડલા ડીવીઝન પોલીસ વડા વિરલ ચંદનની અધ્યક્ષતામાં સાવરકુંડલાની મોઢ વણિક જ્ઞાતીની વાડી ખાતે શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં અમરેલી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ મથકને બદલે સમાજની વાડીમાં શાંતિ સમિતિની બેઠક બોલાવીને નવી પહેલ શરૂ કરી છે. અને હિન્દુ મુસ્લિમો શાંતિ અને ભાઈચારાથી તહેવારો ઉજવી શકે તે માટે બન્ને સમાજના અગ્રણીઓ સાથે તથા સ્થાનિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પોલીસે લોક દરબાર યોજાયો હતો.એસ.પી. સંજય ખરાતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે હિન્દુ મુસ્લિમ અગ્રણી આગેવાનો અને ભાજપ તથા કોંગ્રેસના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસે લોક દરબાર યોજવામાં આવેલ હતો. દેશમાં એકતાનું વાતાવરણ જળવાઈ રહે અને તહેવારો સુખ શાંતિથી ઉજવાઈ તેવી પોલીસ તંત્રની અપીલને ઉપસ્થિત અગ્રણીઓએ વધાવી હતી જ્યારે સાવર કુંડલાના આવેલા એસ.પી. સંજય ખરાતનું હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ શાલ અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ તકે પોલીસના યોજાયેલા લોક દરબારમાં હિન્દુ મુસ્લિમોએ પોલીસની તહેવારોમાં ફરજ નિષ્ઠા અંગે ખાસ નોંધ લીધી હતી. જ્યારે એસ.પી. સંજય ખરાતે પણ તહેવારો ઉજવવામાં પોલીસ તંત્ર દ્વારા પૂરતા સુરક્ષા વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.