Jai Hind

માળિયા હાટીનામાં ભીમ અગિયારસનું મુહુર્ત સાચવતા મેઘરાજા, રાજ્યમાં ભારે ઉકળાટ

ભીમ અગિયારસ કોરી જતા ખેડુતો ચિંતિત, વાવણી પાછી ઠેલવવાની ભિતિ: દક્ષિણમાં વરસાદની ફરી બ્રેક

સૌરાષ્ટ્રમાં માળિયા હાટીનામાં મેઘરાજાએ ભીમ અગિયારસનું મુહુર્ત સાચવ્યું હતું અને અમી છાટણા કર્યા હતાં. માળિયા હાટીના સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર કોરો ધાકળ રહ્યો હતો અને લોકોએ અસહ્ય બફારો સહન કર્યો હતો. માળિયા હાટીનામાં પાંચ મિનિટ સુધી હળવા ઝાપટા પડતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ વર્ષે અલનીનોની ગંભીર અસરના કારણે ચોમાસુ મોડુ હોવાથી સૌરાષ્ટ્રવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અને 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો પરંતુ આજે અચાનક જ વર્ષારાણી ફરી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આજે ભીમ અગિયારસના દિવસે ક્યાય પણ મેઘરાજાની એન્ટ્રી નહી થતા લોકો અને ખેડુતો ચિંતાતુર બની ગયા છે. ભીમ અગિયારસના પવિત્ર દિવસે જ વરસાદ નહી પડતા વર્ષ કેવુ રહેશે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભીમ અગિયારસના દિવસે પડતા વરસાદને શુભ માનવામાં આવે છે જો કે વરસાદ નહી પડતા વાવણી પાછી ઠેલવવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે હવામાન નિષ્ણાંતોના મંતવ્ય મુજબ ચોમાસાના પ્રારંભમાં આવી સ્થિતિ સામાન્ય છે. વર્તમાનમાં સક્રિય બન્ને હવામાન સિસ્ટમના લીધે આગામી ત્રણ દિવસમાં ચોમાસુ ફરી આગળ વધશે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા જ રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ જામશે. હાલ તો ભીમ અગિયારસ કોરી જતા જગતાત ચિંતાતુર બન્યો છે.
આગામી તા. 27 થી 1 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતના પંચ મહાલ, દાહોદ, મહિસાગર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિભાગોમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.