Jai Hind

ભાટિયામાં સોનાના ચેઈન પ્રકરણમાં મોટા આસોટા ગામનો શખ્સ ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામેથી થોડા દિવસો પૂર્વે એક સોની વેપારીની દુકાનમાંથી યેનકેન પ્રકારે સોનાના ચેઈન મેળવી લઈને એક શખ્સ ફરાર થઈ ગયો હોવાના પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, મોટા આસોટા ગામના એક શખ્સને દબોચી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે રોકડ અને ચેઈન સહિત કુલ રૂ. 2.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે એક સોની વેપારીની દુકાનમાં સોનાના ચેઈનની ખરીદીના બહાને આવેલા એક શખ્સએ વેપારી યુવાનને વાતોમાં ભેળવીને રૂ. 4.31 લાખની કિંમતના સોનાના બે ચેઈન મેળવી લઈ, ફરાર થઈ જતા આ સંદર્ભે કલ્યાણપુર પોલીસ મથકમાં વિશ્વાસઘાતની કલમ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના કાના ઉર્ફે કાનો પુંજાભાઈ દેવાણંદભાઈ ચાવડા નામના 23 વર્ષના શખ્સને ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર આવેલા હાબરડી ગામના પાટીયા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આ શખ્સ પાસેથી પોલીસે રૂ. 1.70 લાખની કિંમતનો સોનાનો એક ચેઈન તથા રૂ. એક લાખ રોકડા અને રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂપિયા 10,000 ની કિંમતનું નંબર પ્લેટ વગરનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2.90 લાખનો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી અર્થે આ શખ્સનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઝડપાયેલા આ શખ્સની પોલીસ પૂછતાછમાં આરોપી શખ્સ પ્રથમ સોનીની દુકાને મોઢે માસ્ક પહેરીને જઈ, રેકી કરીને પોતાનું ખોટું નામ અને ઓળખ આપી હતી. તેણે મોઢાના ભાગે ઇજા થઈ હોવાથી તેણે માસ્ક પહેર્યું હોવાનું જણાવ્યું હતું. આ પછી સોની વેપારીને ગુમરાહ કરી અને નાની-મોટી વાતોમાં ભેળવી પોતાને સોનાની ચીજ વસ્તુઓ ખરીદ કરવાનું કહી સોનાની ચીજવસ્તુ પસંદ કરી, અન્ય દાગીના બતાવવાનું તથા બીલ બનાવવાનું કહી અને વિશ્વાસમાં લઈ લીધા હતા. આ રીતે વેપારીને બીજા કામોમાં વ્યસ્ત રખાવી, તેમને કાઉન્ટરથી દૂર રખાવી મોકાનો લાભ લઇને પોતે પસંદ કરેલી સોનાની વસ્તુઓ લઈને નાસી છૂટી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.