એલસીબી પોલીસે મેઘપર ટીટોડી ગામના શખ્સને દબોચી લીધો
ખંભાળીયા સહીત દારૂના જુદા જુદા પાંચ ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મેઘપર ટીટોડી ગામેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના યાદવનગર વિસ્તારમાં રહેતા મોહિત ઉર્ફે ઉકેડી કિશોર કરશન આંબલીયા નામના શખ્સ સામે ખંભાળિયા સહિતના જુદા જુદા પોલીસ મથકમાં દારૂ અંગેના નાના-મોટા ગુનાઓ નોંધાયા હતા. છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પી.આઈ. તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને ખંભાળિયા ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઉપરોક્ત શખ્સ સામે ખંભાળિયામાં બે ગુના, દ્વારકામાં પણ બે ગુના અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પણ પ્રોહિ. એક્ટ અંગેનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ સમગ્ર કાર્યવાહી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને ખીમાણંદભાઈ આંબલીયાની બાતમીના આધારે કરવામાં આવી હતી.