બજાર વિસ્તાર, મેઈનરોડ પર પાર્કિંગની જગ્યામાં ખડકાઈ ગયા હતા ઓટલા, શેડ, લોખંડની ગ્રીલ
બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને નાગરિકોની વારંવાર મળતી ફરિયાદોને ધ્યાને લઈ નગરપાલિકા તંત્ર દ્વારા સોમવારે વહેલી સવારથી જ દબાણ હટાવવાની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી હેઠળ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં વર્ષોથી ઉભા રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
બોટાદ નગરપાલિકાના અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના હાર્દ સમા મુખ્ય માર્કેટ વિસ્તારમાં દુકાનોની બહાર ઉભા કરાયેલા શેડ, ઓટલા, લોખંડની ગ્રીલ તેમજ પડદાં સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી આગા ખાન હોસ્ટેલથી શાક માર્કેટ તેમજ શિવાજી સર્કલથી મુખ્ય બજાર વિસ્તાર સુધી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ શહેરના મુખ્ય બજારોમાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ દબાણ અંગે અનેક ફરિયાદો મળી રહી હતી. જેના આધારે અગાઉ દુકાનદારોને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો યથાવત રહેતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા અનુસાર અંદાજે 400 જેટલી દુકાનો બહાર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ મુખ્ય બજારોના રસ્તાઓ વધુ ખુલ્લા બનતા વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નગરપાલિકાના ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને જાહેર માર્ગો ખુલ્લા રાખવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં પણ ગેરકાયદેસર દબાણો સામે નિયમિત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
આગા ખાન હોસ્ટેલથી શાક માર્કેટ સહિત મુખ્ય બજાર સુધી બુલડોઝર ફરી વળ્યું, અગાઉ નોટિસ છતાં દબાણ ન હટાવતા કાર્યવાહી થતાં લોકોને ટ્રાફિક સમસ્યામાં થી હવે મળશે મુક્તિ.