ભાવિક દ્વારા રેસ્કયુ માટે વન વિભાગને જાણ કરવા છતા ટીમ સમયસર પહોચી નહીંનો આક્ષેપ
તુલસીશ્યામમાં ઘાયલ સાબરને 4 કલાક સુધી સારવાર ન મળ્યાનો આક્ષેપ ભક્ત દ્વારા રેસ્ક્યુ માટે અનેક વખત જાણ કરવા છતાં ટીમ ન પહોંચતા ઉઠ્યા સવાલો ગઈ કાલે તુલસીશ્યામ ખાતે દર્શનાર્થે આવેલા ઉના ના વિનોદભાઈ બાંભણિયાના જણાવ્યા મુજબ, ગઈકાલે અંદાજે 5 થી 6 વાગ્યાની આસપાસ રૂક્ષ્મણી માતાના ડુંગર પરથી અંદાજે 40 થી 50 ફૂટની ઊંચાઈ પરથી એક સાબર નીચે પટકાયું હતું. પડવાના કારણે તેની ગરદન તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જોવા મળ્યું હતું. ઘટનાની જાણ તાત્કાલિક મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે, લાંબો સમય પસાર થવા છતાં કોઈ રેસ્ક્યુ ટીમ કે પશુચિકિત્સક સ્થળ પર પહોંચ્યા ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારબાદ ગૂગલ મારફતે જસાધાર રેન્જ અને ગીર ગઢડા રેન્જના વન વિભાગના અધિકારીઓના સંપર્ક નંબર મેળવી ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં રાત્રે લગભગ 9.00 વાગ્યા સુધી પણ કોઈ જવાબદાર અધિકારી કે રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ન હોવાનું જણાવાયું છે.
ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતાં સ્થળ પર હાજર એક અધિકારીએ મોબાઇલ ફોન ઝૂંટવી લેવાની તેમજ વીડિયો ડિલીટ કરવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાએ વન્યજીવોના ઇમરજન્સી રેસ્ક્યુ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકો અને ભક્તોએ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, રેસ્ક્યુમાં થયેલા વિલંબ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને ઘાયલ વન્યજીવોને તાત્કાલિક સારવાર મળે તેવી અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
રેસ્ક્યુ વાહન સિંહના રેસ્ક્યુમાં હોવાથી પહોચવામાં મોડુ થયેલ: સંજયભાઈ મોડીયા ફોરેસ્ટર
આ ઘટના સંદર્ભે તુલસીશ્યામ રેન્જ ના ફોરેસ્ટરનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવેલ કે સાબર ઇજાગ્રસ્ત અંગે મને પણ ફોન આવેલ પરંતુ રેસ્ક્યુ વાહન સિંહના રેસ્ક્યુમાં હોવાથી સમયસર પોહચી શકાયુ હતું નહીં અને રેસ્ક્યુ વાહન આવતાની સાથે અમારી ટીમ સાથે તુલસીશ્યામ પોહચી ગયેલ અને ઈજાગ્રસ્ત સાબર નું રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર પર લાવેલા અને સારવાર બાદ સાબર ને જંગલ માં મુક્ત કરવામાં આવેલ હતું