Jai Hind

ખંભાળિયા નગરપાલિકાની આવતીકાલે જનરલ બોર્ડ બેઠક

નવી બોડીની પ્રથમ સામાન્ય સભા પ્રત્યે નગરજનોની મીટ

ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સાધારણ સભા ગુરૂવાર તા. 2 જુલાઈના રોજ યોજવામાં આવી છે. આ જનરલ બોર્ડમાં નોંધપાત્ર કહી શકાય તેટલા 67 ઠરાવ એજન્ડા લેવામાં આવ્યા છે. ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની એજન્ડા નં. 1 મુજબની પ્રથમ સામાન્ય સભા આગામી ગુરૂવાર તા. 2 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે અહીંના નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.આ બેઠકના એજન્ડામાં પ્રથમ તો કારોબારી અને અન્ય સમિતિઓની રચનાની બહાલી તેમજ નગરપાલિકાના પ્રમુખ તરફથી કરવામાં આવેલા હુકમોને બહાલ રાખવા તથા અગાઉના વર્ષના વાર્ષિક હિસાબોની બહાલી આપવાનો મુદ્દો લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત વહીવટી મુદાના એજન્ડામાં પાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલની કામગીરીનો મુદ્દો તેમજ પાલિકામાં 11 માસ કરાર આધારિત પગારદાર કર્મચારીઓના હુકમને બહાલ રાખવા, દંડક અને શાસક પક્ષના નેતાનાની ચેમ્બરમાં એસી ફીટ કરવા, તેમજ પાલિકાની જુદી જુદી શાખાઓ માટે રોજમદાર અને ફિક્સ પગારદાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા તેમજ ખંભાળિયા શહેરમાં દરેક જગ્યાએ ખંભાળિયાના બદલે “જામ ખંભાળિયા” શબ્દનો ઉપયોગ કરવાની રજૂઆતનો મુદ્દો લેવામાં આવ્યો છે.
ટેક્સ અને વોટર વર્ક્સ શાખાના એજન્ડામાં ભાડાપટ્ટાની મિલકતોનું ભાડું વસૂલ કરવા, નગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં પાણી વેરાની રકમ વસૂલ કરવા, નગરપાલિકા હદ વિસ્તારના વાહનોને વાહનવેરો વસૂલ કરવા, જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ ખરીદ કરવા, જુદા જુદા વિસ્તારોમાં હોલ્ડિંગ માટેની જગ્યા નક્કી કરવા, નગરપાલિકાના અગાઉ કામ કરતા જૂના વાલ્વમેનોની સેવાઓ લેવા તેમજ નગરપાલિકા દ્વારા વસૂલ લેવામાં આવતા જુદા જુદા વેરાઓમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ માફ કરવા, વિગેરે 14 મુદ્દાઓ લેવામાં આવ્યા છે.
સેનીટેશન વિભાગના એજન્ડામાં શહેરના જુદા જુદા વિસ્તારમાં જાહેર શૌચાલય અને યુરીનલના રિનોવેશન કરી અને રેગ્યુલર કાર્યરત કરવા, ડોર ટુ ડોર કચરાનું કામ કરનાર એજન્સીને ભાડે આપેલા વાહનોને એજન્સીના ખર્ચે રીપેર કરવા તેમજ ડિપોઝિટ જપ્ત કરી અને પેનલ્ટી વસૂલ કરવા, શહેરની વસ્તીને ધ્યાને લઈને સફાઈ કામદારોની નવી ભરતી કરવા, જરૂરિયાત મુજબ લોડર તથા અન્ય વાહનોની ખરીદી કરવા શહેરી સફાઈ બાબતે મોનીટરીંગ ટીમની રચના કરવા, શહેરમાં અલગ અલગ બે જગ્યાએ ડમ્પિંગ પોઇન્ટ કરવા તેમજ નગરપાલિકાની જૂની બોલેરો વાહન જમા કરાવી અને નવું બોલેરો વાહન ખરીદ કરવાના કુલ 12 ઠરાવ પણ એજન્ડા લેવામાં આવ્યા છે.
બાંધકામ વિભાગ માટે સરકારની જુદી જુદી બ્રાન્ચનું આયોજન કરવા, નવા ભળેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યા અથવા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ચોક્કસ જગ્યાની સરકાર સમક્ષ માંગણી કરી અને અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા, નવા ભળેલા વિસ્તારોની સોસાયટીઓમાં આવેલા કોમન પ્લોટ નગરપાલિકા હસ્તક લેવા તથા ધાર્મિક અને સાર્વજનિક બાંધકામો ન હટાવવા બાબત, નગરપાલિકા બિલ્ડિંગમાં સોલાર પ્રોજેક્ટની દરખાસ્ત બાબત, નવા ભળેલા વિસ્તારોમાં પાણી, રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા, નગરપાલિકા વિસ્તારમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવા, શહેરમાં ડો. શ્યામા પ્રસાદજીની પ્રતિમા મૂકવા, જુદા જુદા રસ્તાઓમાં સ્વર્ગસ્થ આગેવાનો અને સમાજસેવકોનું નામકરણ કરવા, વિગેરે 23 મુદ્દાઓ લેવામાં આવ્યા છે.