પાણીનો નિકાલ રૂંધાશે તો કાંઠા વિસ્તાર ડુબવાનો ભય: સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ
સાવરકુંડલા શહેરની ભૌગોલિક રચના ’ઉંધી રકાબી’ જેવી હોવાથી ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં પડતું વરસાદનું મોટાભાગનું પાણી કુદરતી ઢોળાવ મુજબ નાવલી નદીમાં વહી જાય છે. આ કુદરતી ડ્રેનેજ સિસ્ટમને કારણે આજદિન સુધી શહેરમાં મોટા પાયે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નથી.
હાલ નગરપાલિકા દ્વારા નાવલી નદી ઉપર રીવરફ્રન્ટની કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નદીની બન્ને સાઈડ ઊંચી છઈઈ દિવાલ બનાવવામાં આવી છે. પરંતુ અત્યંત ગંભીર બાબત એ છે કે શહેરી વિસ્તારમાં પડેલ વરસાદના પાણીના નિકાલ માટે દિવાલમાં કોઈ જ સ્ટ્રોમ વોટર ડ્રેઇન, વીપ હોલ કે પંપિંગની જોગવાઈ કરવામાં આવી નથી.
આ મુદ્દે નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસર/પ્રમુખને લેખિત અરજી પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, “જો ચોમાસામાં વધુ વરસાદ પડશે તો છઈઈ દિવાલના કારણે પાણી નદીમાં જઈ શકશે નહીં અને શહેરમાં નાવલી નદીના કાંઠા વિસ્તાર ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે. ઘરો-દુકાનોમાં પાણી ઘૂસવાથી નાગરિકોને મોટા પાયે આર્થિક નુકસાન તેમજ જાનમાલનું જોખમ ઉભું થશે.”
કાંઠા વિસ્તારનાં લોકોની મુખ્ય માંગણીઓ છે કે 1. ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા નિષ્ણાતોની કમિટી બનાવી સ્થળ તપાસ કરાવવામાં આવે. 2. આરસીસી દિવાલમાં યોગ્ય જગ્યાએ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતા વ્યાસના હોલ બનાવવામાં આવે. 3. કાયમી વ્યવસ્થા નથાય ત્યાં સુધી ચોમાસા દરમિયાન કામચલાઉ હાઈ-પાવર ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા ગોઠવવામાં આવે.
“પાલિકા તંત્ર કે સત્તાધીશો આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી ચોમાસા પહેલા નક્કર વ્યવસ્થા કરે એ જરૂરી છે. નહીંતર આ રીવરફ્રન્ટ શહેર ના નાવલી કાંઠા વિસ્તાર માટે આશીર્વાદને બદલે શાપ સાબિત થશે,” એમ ધર્મેન્દ્ર મહેતાએ ઉમેર્યું હતું.
તેમણે 7 દિવસમાં સ્થળ તપાસ કરી કરેલ કાર્યવાહીનો લેખિત અહેવાલ આપવા અને નાવલી નદીના કાંઠા વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા એ વિનંતી કરી છે.