ત્રણ મહિના પૂર્વે પતિનું અવસાન થતાં જીવવું ગમતું ન હોવાથી જિંદગી ટૂંકાવી
વંથલી પંથક માંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પતિના વિરહમાં એક 72 વર્ષીય વૃદ્ધાએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ દુખદ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, વંથલી તાલુકાના ભાટિયા ગામે રહેતા રૂપીબેન રાજાભાઈ મેણેમ (ઉ.વ. 72) ના પતિનું ત્રણેક મહિના પહેલાં અવસાન થયું હતું. પતિના અવસાન બાદ રૂપીબેન ઊંડા આઘાતમાં રહેતા હતા અને તેમને એકલવાયું જીવવું ગમતું ન હતું. આ માનસિક આઘાતના કારણે રૂપિબેને પોતાના ઘરે પોતાની મેળે એસિડ પી લેતા, તેણીને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રૂપીબેનનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ રાજાભાઈ મેણેમ એ વંથલી પોલીસ મથકમાં જાહેરાત કરતા વંથલી પોલીસે અમોતનો ગુન્હો દાખલ કરી, વધુ તપાસ હાથ ધરી છે.