Jai Hind

સાવરકુંડલામાં રખડતા પશુઓના કારણે રહીશો હેરાન-પરેશાન

સાવરકુંડલાના આડીશેરી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો ને સર્જાતી વિવિધ સમસ્યાઓ અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે.રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તાર જલારામ મંદિર, કબીર મંદિર તથા સ્વામિનારાયણ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વડીલો, મહિલાઓ અને બાળકોની અવરજવર રહે છે. જોકે પશુઓ વારંવાર રસ્તા પર ટોળામાં ઉભા રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત પશુઓ વચ્ચે ઝઘડા થતાં સ્થાનિકોના પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચવાની ઘટનાઓ પણ બનતી હોવાનું જણાવાયું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ વહેલી સવારે માલસામાનની અવરજવર દરમિયાન મોટા અવાજે હોર્ન વગાડવામાં આવતા વૃદ્ધો, દર્દીઓ અને નાના બાળકોની ઊંઘ તથા આરામમાં ખલેલ પહોંચે છે. ઉપરાંત મોડી રાત્રે લીલો કચરો અથવા અન્ય સામગ્રી સળગાવવાના કારણે ફેલાતા ધુમાડાથી આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને તકલીફ પડે છે તેમજ આગ લાગવાનો ભય પણ રહે છે. પશુઓના કચરા અને ખાતરના સંગ્રહને કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થવાની પણ સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે શહેરના ગીચ અને રહેણાંક વિસ્તારમાં આવેલી આવી પ્રવૃત્તિઓ અંગે નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેવી માંગ ઉઠી છે.