પોલીસ ચોપડે ફરાર બે આરોપી ઝડપાયા
જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે માળિયા મિયાણા વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કાર્યવાહીમાં સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવામાં આવ્યા હતા.
કોમ્બિંગ દરમિયાન પોલીસે એક દેશી બનાવટનો કટ્ટો, ત્રણ એરગન, 23 જીવતા કારતૂસ, સોનાના ડુપ્લિકેટ બિસ્કિટ તેમજ તીક્ષ્ણ હથિયારોનો જથ્થો કબજે કર્યો હતો. ઉપરાંત બે ફરાર આરોપીઓ અને એક પેરોલ જંપ કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે કુલ 36 વાહનો ડિટેન કરી તેમની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. સાથે જ કુખ્યાત હિસ્ટ્રીશીટરોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંક સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ મેગા કોમ્બિંગ ઓપરેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક, બે ડીવાયએસપી સહિત મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. સમગ્ર કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કોમ્બિંગ અને ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
