લાલપુર તાલુકાના જોગવડ ગામના સ્મશાનમાં રખાયેલા અગ્નિદાહ આપવા માટે ના લોખંડ ના ખાટલને પણ તસ્કરોએ મુક્યો નથી અંદાજે એક હજાર કિલોગ્રામ વજનની લોખંડની ખાટલી ચોરી થઈ જતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જોગવડ ગામના ઉપસરપંચ હેમતસિંહ દેવુભા કેરે જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે બપોરે પોતાના ઘરે હાજર હતા ત્યારે ગામના ઘોઘાભાઈ રણમણભાઈ ચાવડાએ ફોન કરીને સ્મશાનમાં કેટલાક અજાણ્યા લોકો નાની-મોટી વસ્તુઓ ભેગી કરી રહ્યા હોવાની જાણ કરી હતી. આ માહિતી મળતાં તેઓ નરેન્દ્ર ગંગારામ વાસુ તથા જુવાનસિંહ લખુભા જાડેજા સાથે તાત્કાલિક સ્મશાન ખાતે પહોંચ્યા હતા.
ત્યાં તપાસ કરતાં સ્મશાનમાં રાખવામાં આવેલી લોખંડની ખાટલી સ્થળ પરથી ગાયબ હોવાનું જણાયું હતું. આસપાસ શોધખોળ કરવા છતાં ખાટલી મળી ન આવતાં ગામના આગેવાન માંડણભાઈ કાયાભાઈ પંડિતને જાણ કરવામાં આવી હતી. તેમના સૂચન મુજબ સમગ્ર બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ મુજબ સ્મશાનમાં ખુલ્લામાં રાખવામાં આવેલી અંદાજે એક હજાર કિલોગ્રામ વજનની લોખંડની એક ખાટલી, જેની કિંમત આશરે રૂ. 45 હજાર થાય છે, કોઈ અજાણ્યા ચોરોને ચોરી કરી લઈ ગયા હોવાનું જણાવાયું છે. જો ચોરાયેલી ખાટલી બતાવવામાં આવે તો ફરિયાદી તેની ઓળખ કરી શકે તેમ હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકીને સોંપી છે.
