સમાજમાં ગૌસેવા, ગૌરક્ષણ સહિતના મુદે જાગૃતિ ફેલાવી
ગૌમાતા પર વધી રહેલા અત્યાચાર, અવગણના અને તેમની વેદનાનો અવાજ સમાજ તેમજ દ્વારકાધીશ સુધી પહોંચાડવાના પવિત્ર હેતુ સાથે લાઠીદડથી પ્રારંભ થયેલી 19 દિવસીય 21 ગૌમાતા વેદના પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગૌમાતાની વ્યથા વ્યક્ત કરવાનો જ નહીં, પરંતુ સમગ્ર સમાજમાં ગૌસેવા, ગૌરક્ષણ અને માનવતાની ભાવના પ્રબળ બને તેમજ યુવા પેઢી ગૌમાતાના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બને તેવો પ્રેરણાદાયી સંદેશ પહોંચાડવાનો હતો.
આ પદયાત્રાનો પ્રારંભ ગત તા. 16 જૂનના રોજ લાઠીદડ ગામેથી થયો હતો અને સતત 19 દિવસની પદયાત્રા બાદ આ યાત્રા પવિત્ર દ્વારકાધીશ જગતમંદિર ખાતે શનિવાર તા. 4 જુલાઈના રોજ પહોંચી, પૂર્ણાહુતિ પામી હતી. સમગ્ર યાત્રા દરમિયાન અનેક ગામો અને શહેરોમાં લોકો દ્વારા યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તોએ જોડાઈ ગૌરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ ગૌમાતા વેદના પદયાત્રાનું આયોજન નિરાધારનો આધાર યુવા મંડળના સંચાલક સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ગૌમાતાના રક્ષણ, સંવર્ધન અને સન્માન માટે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ ગૌમાતા માત્ર આસ્થાનું પ્રતિક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને માનવતાના મૂલ્યોનું જીવંત પ્રતીક છે. તેથી ગૌમાતા પ્રત્યે કરુણા, સેવા અને સંરક્ષણની ભાવના દરેક વ્યક્તિમાં વિકસે તે આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ ઐતિહાસિક પદયાત્રાએ યુવાનોમાં ગૌરક્ષણ પ્રત્યે નવી જાગૃતિ અને સંકલ્પનો સંદેશ પ્રસરાવ્યો હતો. દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું અને ગૌમાતાના રક્ષણ માટે સમાજના દરેક વર્ગને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.