વિંછીયામાં વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાનું લોકાપર્ણ: જીવાપરમાં આરોગ્ય મંદિરનું ઉદઘાટન
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ, વિંછીયા પંથકમાં રૂ. 5.94 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી હતી. જેમાં સૌપ્રથમ મંત્રીએ જસદણ તાલુકાના જીવાપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યા બાદ વિંછીયા ખાતે વિજ્ઞાન પ્રવાહની નવનિર્મિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું.
મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, આજે ખુલ્લી મૂકવામાં આવેલી આ વિજ્ઞાન પ્રવાહની શાળાને કારણે ગ્રામીણ ક્ષેત્રના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરી શકશે.મંત્રીએ ખાસ કરીને દીકરીઓ ભણી ગણી આગળ વધે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું કે, આજે છેવાડાના વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાઓ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે, ત્યારે તેમણે ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી હતી.
વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણના માધ્યમથી સારી રોજગારી મેળવી શકે તે માટે આઈ.ટી.આઈ.માં આધુનિક ટેકનિકલ શિક્ષણ તેમજ રોજગાર મેળાઓ મદદરૂપ બની રહ્યા હોવાનું શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ નવનિર્મિત શાળાનું વિધિવત પૂજન કરી તકતીનું અનાવરણ કર્યું હતું, આ સાથે તેઓએ વિવિધ વર્ગખંડોની મુલાકાત લીધી હતી. શાળાના આચાર્ય કિશનભાઇ કોટડીયાએ ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષાની ગ્રાન્ટમાંથી રૂ. 4.49 કરોડના ખર્ચે નવનિર્મિત વિજ્ઞાન પ્રવાહ શાળાની વિશેષતા જણાવી હતી. શાળામાં 8 વર્ગખંડો ઉપરાંત ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે હેતુથી રેઇન વોટર હાર્વેસિ્ંટગ સિસ્ટમ પણ શાળાના મેદાનમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં મામલતદાર ઉત્તમકુમાર કાનાણીએ વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દીની તકો વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં વિંછીયા તાલુકા પંચાયત પ્રમુખ જનકબેન રોજાસરા, તાલુકા ભાજપના અશ્વિનભાઈ સાકરીયા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.