Jai Hind

રાણપુર તલાટી કમ મંત્રીઓએ મહેસુલી કામગીરી બંધ રાખી વિરોધ નોંધાવ્યો

જોબચાર્ટ અમલ અને અન્ય કામગીરીમાંથી મુક્તિની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પોતાની વિવિધ માંગણીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી સી.સી.દવે (ઝઉઘ) અને મામલતદાર કે.બી.ગોહિલ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે તેમની મુખ્ય માંગણીઓમાં તલાટી કમ મંત્રીના જોબચાર્ટનો તાત્કાલિક અમલ અને મહેસૂલ વિભાગ સિવાયના અન્ય વિભાગોની કામગીરીમાંથી મુક્તિનો સમાવેશ થાય છે.તલાટી કમ મંત્રીઓએ જણાવ્યું હતું કે, તેમના પર વિવિધ વિભાગોની વધારાની કામગીરીનો બોજ સતત વધી રહ્યો છે. આના કારણે તેમના મૂળભૂત મહેસૂલી અને ગ્રામ વિકાસ સંબંધિત કાર્યો પર પ્રતિકૂળ અસર પડી રહી છે. તેથી, સરકાર દ્વારા નિર્ધારિત જોબચાર્ટ મુજબની જ કામગીરી સોંપવામાં આવે અને અન્ય વિભાગોની કામગીરીમાંથી તેમને રાહત આપવામાં આવે તેવી તેમની માંગ છે.
આ માંગણીઓના સમર્થનમાં, તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્ર દ્વારા રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને તેમની માંગણીઓનો તાત્કાલિક નિકાલ લાવવા અપીલ કરવામાં આવી છે.તલાટી કમ મંત્રી મંડળના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તેમની વાજબી માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.આવેદનપત્ર આપતી વખતે રાણપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા…